December 23, 2024

મોડેલ તાન્યા સિંઘ આપઘાત કેસ કેટલે પહોંચ્યો? જાણો તમામ માહિતી

અમદાવાદઃ ગુજરાતના સુરતમાં મોડલ તાન્યા સિંહની આત્મહત્યાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 30 લોકોની પૂછપરછ કરી છે. પોલીસે તાન્યા સિંહના સંપર્કમાં રહેલા લોકોને બોલાવીને પૂછપરછ કરી છે, પરંતુ મોડલ તાન્યા સિંહે આત્મહત્યા કેમ કરી? આ રહસ્ય આજ સુધી સામે આવ્યું નથી. સુરત પોલીસને અગાઉ આશા હતી કે, તેઓ કોલ ડિટેઈલના આધારે આત્મહત્યાનું કારણ જાણી શકશે. 10 દિવસની લાંબી તપાસ બાદ પણ તાન્યાના મોતનો ભેદ હજુ ઉકેલાયો નથી. પોલીસ હવે ક્રિકેટરની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.

મોડલ તાન્યા સિંહની આત્મહત્યાના મામલામાં પોલીસે હજુ સુધી ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરી નથી. પોલીસને તાન્યાના ફોનમાં અભિષેક શર્મા સાથેના નજીકના અંગત ફોટા મળ્યા હતા. બંને વચ્ચે ગાઢ સંબંધ હોવાના પુરાવા પણ સામે આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો પોલીસે ક્રિકેટરનો સંપર્ક કર્યો હતો, પરંતુ ક્રિકેટરે વ્યસ્ત હોવાનું જણાવીને નકારી કાઢ્યું હતું. આ કારણે હાલમાં હૈદરાબાદ સનરાઇઝર્સ સાથે જોડાયેલા ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ થવાની બાકી છે. એટલા માટે પોલીસે હજુ સુધી ક્રિકેટરને ક્લિનચીટ આપી નથી. સૂત્રોનું માનીએ તો પોલીસ ટૂંક સમયમાં ક્રિકેટરને પૂછપરછ માટે બોલાવી શકે છે.

28 વર્ષની મોડલ તાન્યા સિંહે 18 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે પરત ફર્યા બાદ તેના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સવારે પુત્રીને જગાડવા આવેલા પિતાએ તાન્યાને લટકતી જોઈને પોલીસને જાણ કરી હતી. વેસુ પોલીસે મોડલ તાન્યા સિંઘની આત્મહત્યાનો ભેદ ઉકેલવા CDR વિગતો મંગાવી હતી. પોલીસને આશા હતી કે, તેઓ ટેકનિકલ તપાસ દ્વારા આ કેસનો ઉકેલ લાવી દેશે, પરંતુ 30 લોકોની પૂછપરછ કર્યા બાદ પણ પોલીસ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. તાન્યા તેના પરિવાર સાથે સુરત વેસુ સ્થિત પોશ સોસાયટીમાં રહેતી હતી. તાન્યા સિંહની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અનુસાર, તે મોડલિંગની સાથે ફેશન ડિઝાઈનિંગની પણ શોખીન હતી. તાન્યા સિંહે ખૂબ જ ઓછા સમયમાં મોડલિંગમાં પોતાનું સારું નેટવર્ક બનાવી લીધું હતું.