મોડાસામાં 3.50 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ સંકુલ છેલ્લા 5 વર્ષથી બિનઉપયોગી

સંકેત પટેલ, મોડાસા: અરવલ્લી જિલ્લાના મુખ્ય શહેર મોડાસા નગરમાં આવેલા સર્વોદય વિસ્તારના બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે વર્ષ 2019માં 3.50 કરોડ રૂપિયાના માતબર ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 5 વર્ષથી આ સંકુલ બિનઉપયોગી બની રહેતા સ્થાનિકો પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાનો ખર્ચ ધૂળ ભેગો થયો હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાત સરકારની થીમ છે કે ‘રમશે ગુજરાત, તો જીતશે ગુજરાત’ ત્યારે આ થીમ અરવલ્લી જિલ્લામાં ધૂળ ખાઈ રહી છે. વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડાસાના સર્વોદય નગર તેમજ આસપાસના વિસ્તારના રમતપ્રિય બાળકો અને યુવાનોને બાસ્કેટબૉલ, લોન્ગ ટેનિસ, ટેબલ ટેનિસ સાહિતની આઉટડોર ગેમ્સ અને ઇનડોર ગેમ્સની પ્રેક્ટિસ કરી શકે તેમજ યુવાનો અને યુવતીઓની ફિટનેસ ઝળવાઈ રહે તે માટે સાડા ત્રણ કરોડ રૂપિયા કરતા વધુ રકમનો ખર્ચ કરી મોડાસા નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ વર્ષ 2019માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું. પરંતુ આ સંકુલ છેલ્લા ઘણા સમયથી નકામું બની રહ્યું છે. આ સંકુલમાં બનાવવામાં આવેલી બાસ્કેટબૉલ કોર્ટ, ટેનિસ કોર્ટ તદ્દન બિસ્માર બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, બીજી તરફ ઇન્ડોર ગેમ્સ માટેનો હોલ પણ બિનઉપયોગી બની રહ્યો છે. આ સ્થિતિ જોતા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ સંકુલ હાલના તબક્કે બિનઉપયોગી બની રહ્યું છે.

મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં વર્ષ 2019માં બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની ગેમ્સ માટે કોચ અને પ્રશીક્ષકો માટે પાલિકા તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાએ સ્પોર્ટ્સ સંકુલ ચલાવવા ટેન્ડર પ્રક્રિયા પણ કરી હતી, પરંતુ ટેન્ડર ભરનાર એજન્સી દ્વારા સંકુલ ચાલુ કરવા યોગ્ય રસ ન દાખવાત સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત કરી શકાયું ન હતું. આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા સંકુલ શરૂ કરવાની નિયમ અનુસાર કાર્યવાહી કરવા મોડાસા નગરપાલિકા મક્કમ છે. આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો ટેન્ડર લેવામાં આવશે નહીં તો આગામી સમયમાં સ્પોર્ટ ઓથોરેટી ઓફ ગુજરાતને સોંપવામાં આવશે તેવું નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું.