December 18, 2024

પરીક્ષામાં ગડબડ ન થાય માટે આ રાજ્યમાં 8 કલાક માટે ઈન્ટરનેટની સેવા બંધ

Assam news: આસામમાં આજે 29 સપ્ટેમ્બર, રવિવારની સવારે 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી આઠ કલાક માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. જેના કારણે રાજ્યના લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં સીધી ભરતીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્યભરના 800 થી વધુ કેન્દ્રો પર રવિવારે સવારે 9 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 27 જિલ્લામાંથી સાત લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. સવારે 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ રહેશે.

આ સેવાઓ ચાલુ રહેશે
જોકે ફિક્સ ટેલિફોન લાઈનો પર આધારિત વોઈસ કોલ્સ અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ચાલુ રહેશે. આજે બે શિફ્ટમાં લેવાનારી ભરતી પરીક્ષામાં 7 લાખ 34 હજાર 80 ઉમેદવારો પરીક્ષા આપે તેવી શક્યતા છે. સ્નાતક ડિગ્રી કક્ષાના વર્ગ-3ની જગ્યાઓ માટે પ્રથમ શિફ્ટ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીની રહેશે અને HSLC (ડ્રાઈવર)ની જગ્યાઓ માટે બીજી શિફ્ટ બપોરે 1:30 થી 4:30 વાગ્યા સુધીની રહેશે. આ પરીક્ષા સમગ્ર આસામમાં 822 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.

સીધી ભરતીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ થવી જોઈએ નહીં.
પરીક્ષા પહેલા જારી કરાયેલા સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું હતું કે,”કેટલાક પરીક્ષા કેન્દ્રો છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓનો લાંબો ઇતિહાસ ધરાવે છે”. આધિકારિક આદેશ અનુસાર, “ભરતી પરીક્ષા દરમિયાન રવિવારે સવારે 8:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ/મોબાઈલ વાઈ-ફાઈ/મોબાઈલ ડેટા સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. “નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષાઓ યોજવા અને જાહેર સલામતી જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

આસામ પ્રશાસનને એવી પણ આશંકા છે કે અસામાજિક તત્વો અથવા સંગઠિત જૂથો સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવીને પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે અને પરીક્ષા પ્રક્રિયાને અસ્થિર કરવાનો પ્રયાસ કરી શકે છે.