December 19, 2024

રણીધણી વગરની મોરબી નગરપાલિકામાં કાંતિ અમૃતિયાએ સાંભળ્યા જનતાના પ્રાણપ્રશ્નો

ડેનિશ દવે, મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયયથી પાલિકામાં વહીવટદાર રહ્યા નથી. ઝૂલતા પુલ દુર્ઘટના બાદ તમામ 52 સભ્યો સસ્પેન્ડ છે. ચીફ ઓફિસર સસ્પેન્ડ છે. ત્યારે, અઠવાડીયામાં એકવાર ધારાસભ્ય કાંતિ અમૃતિયા પ્રજાના પ્રશ્નને વાચા આપવા પાલિકામાં આવી રહ્યા છે. ત્યારે, આજરોજ ધારાસભ્ય નગરપાલિકા કચેરી આવ્યા અને શહેરીજનોના પ્રશ્નને વાચા આપી હતી. જેમાં, વિવિધ વિસ્તારમાંથી સમસ્યા જોવા મળી હતી. પાણી ગટર તેમજ રાખળતાં ઢોરના પ્રશ્ન પણ રહ્યા હતા.

શહેરીજનોએ ખાસ કરીને ગંદકીના પ્રશ્ન રોડ રસ્તાના પ્રશ્નનો નિકાલ કરવા ધારાસભ્યનું ધ્યાન દોર્યું હતું. ત્યારે, ચૂંટણી પહેલા ધારાસભ્યએ અમુક વિસ્તારમાં વચન અને આશ્વાસન જે આપ્યું હતું એ કામ પૂર્ણ ન થતા સ્થાનિકોએ કાંતિ અમૃતિયાને યાદ કરાવીને કહ્યું હતું કે આપ અમારા વિસ્તારમાં આવીને પાણી ગટર તેમજ મૂળભૂત સુવિધા પુરી પાડશો. ત્યારે, ધારાસભ્ય કાંતિભાઈ એ જણાવ્યું હતું પાણીનો પ્રશ્ન હજુ રહેશે. કારણ કે, ડેમમાં પાણીની આવક વધશે એટલે પ્રેશરથી પાણી છોડવામાં આવશે.

અંતમાં તમામ પ્રશ્નનો જવાબ સંતોષકારક આપીને શહેરીજનોને વિશ્વાસમાં લઈને રવાના કર્યા હતા. તેમજ મીડિયા સમક્ષ ગટરના ઢાંકણાને લઈને કહેલ હતું કે કરોડોના ખર્ચે રોડ પર ઢાંકણા નાખ્યા છે તે ભારે વાહન રોડ પરથી પસાર થવાના કારણે તૂટી જતા હોય છે પરંતુ બીજા ઢાંકણા તાત્કાલિક નાખી દેવામાં આવશે.