December 24, 2024

સુરત બાંકડા વિવાદમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો ખુલાસો

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં ફરીથી બાંકડાનો વિવાદ સામે આવ્યો છે. ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડા ગોપીપુરા વિસ્તારના એક એપારમેન્ટના ટેરેસ પર જોવા મળ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ધારાસભ્ય પ્રતિક્રિયા આપી અને જણાવ્યું હતું કે, જ્યારે બાંકડા જે તે વ્યક્તિને આપવામાં આવે છે ત્યારે તેની પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે અને તેમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે, આ બાકડાનો ઉપયોગ જાહેર હિતમાં કરવાનો રહેશે ખાનગી ઉપયોગ જો બાકડાનો કરવામાં આવશે તો સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ મામલે ખરેખર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.

સુરત શહેરમાં ધારાસભ્ય કે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડાનો વિવાદ અગાઉ સામે આવી ચૂક્યો છે. આ બાંકડાનો ઉપયોગ ખાનગી વ્યક્તિઓ માટે ખાનગી જગ્યામાં કરવામાં આવતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ ફરી એક વખત બાંકડાનો વિવાદ સામે આવ્યો છે. સુરતના ગોપીપુરા વિસ્તારના એપાર્ટમેન્ટમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડાનો ખાનગી રીતે ઉપયોગ થતો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડા એપારમેન્ટના ટેરેસ પર મૂકવામાં આવ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોને લઈને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાની પ્રતિક્રિયા સામે આવી છે. ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે બાંકડા આપવામાં આવે છે તે સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવે છે અને જ્યારે કોઈપણ વ્યક્તિ બાંકડા લેવા માટે આવે છે. ત્યારે આ વ્યક્તિ પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે એમાં સ્પષ્ટપણે એવું લખાણ કરવામાં આવે છે કે, આ બાકડાનો ઉપયોગ જાહેર હિતમાં કરવાનો હોય છે અને જો કોઈ ખાનગી હિતમાં બાંકડાનો ઉપયોગ કરે છે તો તેની સામે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વની વાત છે કે, કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે બાંકડાઓ ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ જાહેર જનતા માટે કરવાનો હોય છે. પરંતુ ઘણા લોકો આ બાકડાનો ઉપયોગ પોતાના અંગત હીત માટે કરે છે. અગાઉ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડા દુકાનમાંથી મળી આવ્યા હતા. ત્યારે હવે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડા એપારમેન્ટના ટેરેસ પરથી મળી આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખરેખર જે કાર્યવાહીની વાત ધારાસભ્ય કરી રહ્યા છે તે કાર્યવાહી જવાબદાર લોકો સામે ક્યારે કરવામાં આવશે.