December 19, 2024

મિસ યુનિવર્સ 2024માં ડેનમાર્કની પ્રથમ જીત, 21 વર્ષીય વિક્ટોરિયા કેજેરે વિજેતા

Miss Universe 2024: 21 વર્ષની વિક્ટોરિયા કેજેરે ‘મિસ યુનિવર્સ 2024’નો ખિતાબ જીત્યો છે. આ વિશ્વની સૌથી વધુ માન્યતા પ્રાપ્ત સૌંદર્ય સ્પર્ધામાં ડેનમાર્કની પહેલી જીત છે. તેને મિસ નિકારાગુઆ, શેનીસ પેલેસિયોસ દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. નાઇજિરીયાની ચિદિન્મા અદેત્શિના ફર્સ્ટ રનર અપ રહી હતી. જ્યારે મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન બીજી રનર અપ બની છે.

કજેરે 125 સ્પર્ધકોને હરાવ્યા
ડેનમાર્કની વિક્ટોરિયા કેજેર થીલ્વિગે મેક્સિકોમાં આયોજિત 73મી મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી છે. 21 વર્ષીય સ્પર્ધકે ભારતની રિયા સિંઘા સહિત વિશ્વભરના 125 સ્પર્ધકોને હરાવ્યા છે. વિક્ટોરિયા ડેનિશ ઉદ્યોગસાહસિક અને વ્યાવસાયિક નૃત્યાંગના છે. 21 વર્ષની વિક્ટોરિયાએ ડેનમાર્કની પ્રથમ મિસ યુનિવર્સ બનીને ઈતિહાસ રચ્યો છે.

વિક્ટોરિયા કેજેર કોણ છે?
2004માં ડેનમાર્કની રાજધાની ક્ષેત્રમાં ગ્રિબ્સ્કોવ સોબોર્ગમાં જન્મેલા વિક્ટોરિયાનો ઉછેર કોપનહેગનમાં થયો હતો. તેણે બિઝનેસ અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. વિક્ટોરિયાએ એક પ્રોફેશનલ ડાન્સર તરીકે ઘણી નામના મેળવી છે અને હવે તેનું લક્ષ્ય વકીલ બનવાનું છે. વધુમાં તે નિયમિતપણે માનસિક સ્વાસ્થ્ય સમર્થન માટે હિમાયત કરે છે. તે પ્રાણી અધિકારના મુદ્દાઓને પણ સમર્થન આપે છે અને સૌંદર્ય ઉદ્યોગસાહસિક તરીકે કામ કરે છે.