December 16, 2024

વિશ્વ યુદ્ધની અણી પર મિડલ ઈસ્ટ! હિઝબુલ્લાહના રોકેટ હુમલાને કારણે ઇઝરાયેલમાં હાહાકાર

Israel-Hezbollah War: મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન, રવિવારે(22 સપ્ટેમ્બર 2024), લેબનોને ઇઝરાયેલ પર 100થી વધુ મિસાઇલો છોડી હતી. અલજઝીરાના અહેવાલ મુજબ, IDFએ કહ્યું કે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ ઉત્તર ઇઝરાયેલમાં શાળાઓ બંધ કરવી પડી અને લાખો લોકોએ ત્યાં આશ્રય લેવો પડ્યો.

લશ્કરી એરપોર્ટને નિશાન બનાવ્યું
ઇઝરાયેલી સેનાએ દેશના ત્રીજા સૌથી મોટા શહેર હાઇફા સહિત ઉત્તરી ઇઝરાયેલમાં મોટા સમારોહ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. રિપોર્ટ અનુસાર ઈઝરાયેલમાં રવિવારે થયેલા રોકેટ હુમલામાં કોઈ જાનહાનિ કે કોઈ ખાસ નુકસાનના સમાચાર નથી. ઈઝરાયેલના મીડિયા અનુસાર, હિઝબુલ્લાએ ઈઝરાયેલના ઉત્તરીય ક્ષેત્રમાં સ્થિત એક સૈન્ય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ હુમલા સાથે, સમગ્ર પ્રદેશમાં અને કબજા હેઠળના ગોલાન હાઇટ્સ અને અપર ગેલીલીના વિવિધ વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા હતા. આ હુમલાને કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને કારમાં આગ લાગી હતી.

હિઝબુલ્લાહને ઈઝરાયેલની ચેતવણી
અલ જઝીરાના અહેવાલ મુજબ, આ પહેલા શનિવારે(21 સપ્ટેમ્બર 2024) ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનમાં સેંકડો હવાઈ હુમલા કર્યા છે. IDFએ રવિવારે સવારે લેબનોનમાં 110 અન્ય સ્થળો પર હુમલો કરવાનો પણ દાવો કર્યો હતો. આ સિવાય રવિવારે ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ સ્વીકાર્યું કે તેમની સેનાએ હિઝબુલ્લા વિરુદ્ધ અનેક હુમલા કર્યા છે.

PM નેતન્યાહુએ હિઝબુલ્લાહને ચેતવણી આપતા કહ્યું કે તેલ અવીવે તાજેતરના દિવસોમાં લેબનોનમાં સશસ્ત્ર જૂથ હિઝબુલ્લા પર આવા હુમલાઓ કર્યા છે જેની તે કલ્પના પણ કરી શકે નહીં.દરમિયાન, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે વચન આપ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલના રહેવાસીઓ સુરક્ષિત રીતે ઘરે પાછા ન આવે ત્યાં સુધી હિઝબોલ્લાહ સામે ઇઝરાયેલનું આક્રમણ ચાલુ રહેશે.