December 17, 2024

હમાસ ફેઇલ થયું તો હિઝબુલ્લાહે કસમ પૂરી કરી! ઇઝરાયલ પર હુમલો કરતા ઇરાન ખુશખુશાલ

નવી દિલ્હીઃ શું હિઝબુલ્લાહે તેના કમાન્ડર ફુઆદ શુકરના મૃત્યુનો બદલો ઇઝરાયલ પાસેથી લીધો હતો? એવો દાવો ઈરાની મીડિયા કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ લેબનીઝ મિલિશિયા સંગઠને ઈઝરાયેલના મોટા સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. હમાસ અને હિઝબુલ્લાહના વરિષ્ઠ નેતાઓની હત્યા બાદ ઈરાન અને તેના સહયોગી દેશોના હુમલાના ભયને કારણે ઈઝરાયલ હાઈ એલર્ટ પર છે. ઇરાને ગયા મહિને વચન આપ્યું હતું કે, ઇઝરાયલ હમાસની રાજકીય પાંખના વડા ઇસ્માઇલ હાનિયા અને હિઝબુલ્લાહના લશ્કરી કમાન્ડર ફુઆદ શુકરના મૃત્યુનો બદલો લેશે.

ઈરાની મીડિયાએ શું દાવો કર્યો?
ઈરાની સરકારી સમાચાર એજન્સી (IRNA)ના અહેવાલ અનુસાર, હિઝબુલ્લાએ કહ્યું કે તેણે અલ-સામકા, રામિયા અને મિસઘાવ એમ વિસ્તારોમાં ઈઝરાયલી સેનાના ટેક્નિકલ અને જાસૂસી સાધનોને નિશાન બનાવ્યા છે. તેણે મિસાઇલ હુમલામાં મટાટ સેટલમેન્ટની નજીક એક સૈન્ય મથક નજીક ઇઝરાયલી સૈનિકોના જૂથ પર પણ હુમલો કર્યો.

હમાસે M90 રોકેટ છોડ્યા હતા
આ પહેલા ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું હતું કે, તેમણે હમાસના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. હમાસે તેલ અવીવ પર બે M90 રોકેટ ફાયર કરવાની જવાબદારી લીધી હતી. મે મહિના પછી ઈઝરાયલના બિઝનેસ સેન્ટર પર આ તેમનો પહેલો હુમલો હતો.

હમાસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અલ-કાસમ બ્રિગેડસે નાગરિકો વિરુદ્ધ ઝિઓનિસ્ટ નરસંહાર અને અમારા લોકોના ઇરાદાપૂર્વક વિસ્થાપનના જવાબમાં તેલ અવીવ શહેર અને તેના ઉપનગરોમાં બે M90 મિસાઇલોથી બોમ્બમારો કર્યો હતો.’

ઈઝરાયેલે શું કહ્યું?
ઈઝરાયલના અધિકારીઓએ જણાવ્યું કે, યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાંથી છોડવામાં આવેલા રોકેટ ઈઝરાયલના તેલ અવીવ નજીક સમુદ્રમાં પડ્યું હતું. સેના દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘થોડા સમય પહેલાં એક અસ્ત્ર ગાઝા પટ્ટીથી આવતા જોવા મળ્યું હતું અને તે મધ્ય ઇઝરાયલના દરિયાઇ વિસ્તારમાં પડ્યું હતું.’

ઓગસ્ટની શરૂઆતમાં એવું નોંધવામાં આવ્યું હતું કે, ઈરાનના સશસ્ત્ર જૂથો અને પ્રતિકારની ધરી – ઈઝરાયલ વિરુદ્ધ તેહરાન સમર્થિત જૂથોના ગઠબંધન – તેહરાનમાં મળ્યા હતા. ત્યાંના પ્રતિનિધિઓએ હાનિયા અને શુક્રની હત્યા બાદ ઇઝરાયલને રોકવા માટે સંકલિત કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. જો કે, તેમણે મોટા પાયે યુદ્ધ ટાળવાની પણ વાત કરી હતી.