December 19, 2024

પાટણના હારીજમાં રખડતાં ઢોરે આધેડને અડફેટે લેતા મોત, સ્થાનિક લોકો રોષે ભરાયા

PATAN - NEWSCAPITAL

સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો પ્રશ્ન તાકીદે હલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે હાઇકોર્ટના આ આદેશની પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સત્તાધિશો પર કોઈ અસર ન હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો પ્રશ્ન પેચિંદો બન્યો છે. હારીજ નગરમાં મહોલ્લા, સોસાયટીઓ તેમજ મુખ્ય બજારમાં અવારનવાર રખડતી ગાયો અને આખલાઓ રાહદારીઓ, વાહન ચાલકોને અડફેટે લેવાના અનેક બનાવો બન્યા છે. તેમ છતાં હારીજ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પુરવાની કોઈ જ કવાયત હાથ ધરવામાં આવતી નથી.PATAN - NEWSCAPITAL તાજેતરમાં હારીજના મુખ્ય બજારમાં બે આખલાઓ તોફાને ચડયા હતા. જેને લઇને બજારમાં અફરાતફરી મચી ગઈ હતી. આવી ઘટનાઓ સતત થવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પુરવાની કોઈ કામગીરી હાથ ન ધરાતા તંત્રના પાપે આજે એક આધેડનું મોત નીપજ્યું છે. હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહેતા રજનીભાઈ કોટક આ દરમિયાન પોતાની સોસાયટી બાજુથી પસાર થઈ રહ્યા છે ત્યારે એક રખડતાં આખલાએ તેમણે અડફેટે લેતા તેમણે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રેફરલ હોસ્પિટલમાં તેમણે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર સેલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : બિલ્કીસ બાનો કેસના ત્રણ દોષિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, સરેન્ડરની મુદત વધારવાની કરી માંગ

હારીજમાં આખલાની અડફેટે આધેડ વ્યક્તિના મોતને લઈને શહેરમાં વૃદ્ધો, બાળકો અને રાહદારીયોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તંત્રના પાપે અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. હારીજ શહેરમાં આ ઘટના બન્યા બાદ પણ નગરપાલિકાની આવી ઢીલી નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાકીદે યોગ્ય પગલાં ભારે તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી છે.