December 25, 2024

અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

મિહિર સોની, અમદાવાદ: બોપલમાં માઈકાના વિદ્યાર્થીની ઓડી કાર ચાલકે છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા કરી છે. હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે FSL ની મદદ લઈને ઘટનાસ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે. બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

‘ઇતની જોરસે ક્યો ગાડી ચલા રહે હો’ આ શબ્દો સાંભળીને ઓડી કારના ચાલકે છરી કાઢીને 23 વર્ષના યુવક પર હુમલો કરીને હત્યા કરી દેતા સનસનાટી મચી છે. ઘટના બોપલ વિસ્તારની છે, જયા માઈકામા અભ્યાસ કરતો 23 વર્ષીય પીયાંશુ જૈન અને તેના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રા બુલેટ લઈને શેલાગામમાં આવેલી અશોકા હોસ્ટેલ જઈ રહ્યાં હતા, ત્યારે બોપલ ફાયર સ્ટેશન નજીક ઓડી કારના ચાલકે સ્પીડમાં ટર્ન લીધો હતો, જેથી પીયાંશુએ સ્પીડમા કાર ચલાવવા બાબતે થપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને અજાણ્યા કાર ચાલકે તેમની બુલેટ અટકાવી અને પીયાંશુ અને તેના મિત્ર પૃથ્વીરાજ સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી. ત્યારબાદ ગાડીમાંથી બે છરીઓ કાઢીને પીયાંશુના પીઠના ભાગે જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમા સારવાર માટે લઈ જતા તેનુ મોત નિપજયુ હતું. આ ઘટનાને લઈને બોપલ પોલીસે પૃથ્વીરાજ મહાપાત્રાની ફરિયાદ લઈને અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમા સામે આવ્યું કે, મૃતક પ્રિયાંશુ જૈન મુળ ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી છે માઈકા કોલેજમા એમબીએના બીજા વર્ષમા અભ્યાસ કરે છે, જયારે તેનો મિત્ર પૃથ્વીરાજ પણ મળુ ઓરીસ્સાનો રહેવાસી છે અને તે પણ તેની સાથે અભ્યાસ કરે છે. ગઇકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનું ઇન્ટવ્યુ હોવાથી તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઇને બોપલ સરકારી ટ્યુબવેલ પાસે આવેલા મારૂતી ટેલરમાં શુટ સિવડાવવા માટે ગયા હતા. બન્ને શુટનું માપ આપીને વકીલસાહેબ બ્રિજ પાસે નાસ્તો કર્યો અમે બેકરીમાંથી કેક લઈને હોસ્ટેલ પરત ફરી રહ્યાં હતા ત્યારે એક ઓડી કાર ચાલક ફુલ સ્પિડે તેમની પાસેથી પસાર થયો હતો. દરમિયાનમાં પ્રિયાંશુએ કાર ચાલકને કહ્યું હતુંકે ઇતની જોરસે ક્યો ગાડી ચલા રહે હો. કાર ચાલકે બુલેટનો પીછો કર્યો હતો અને પ્રિયાંશુને કહ્યું, રૂક રૂક ક્યા બોલા તું. પૃથ્વીરાજે તેનુ બુલેટ ઉભુ રાખી દીધુ હતું અને કાર ચાલકે પણ તેની ગાડી ઉભી કરી દીધી હતી. કાર ચાલકે પૃથ્વીરાજને આવતાની સાથે કહ્યું હતું કે તુમ લોગ રોંગ સાઇડ મેં હો તો મેં જોરસે નહી ચલાઉંગા, કાર ચાલકની વાત સાંભણીને પ્રિયાશુ અને પૃથ્વીરાજની બબાલ થઇ ગઇ હતી. કાર ચાલકે પ્રિયાશુને ધક્કો મારી દીધો હતો અને બાદમાં બન્ને વચ્ચે મારમારી થઇ હતી. કાર ચાલકે પ્રિયાંશુને ધમકી આપી હતી કે રુક અભી તુજે દીખાતા હું કહીને કાર પાસે ગયો હતો અને બે છરીઓ લઇને આવ્યો હતો. પ્રિયાંશુ પર આડેધડ છરી મારીને હત્યા કરી હતી. આ હત્યા કરનાર આરોપીનું સ્કેચ તૈયાર કરીને પોલીસે આજુ-બાજુના સીસીટીવી ફુટેજ ચેક કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વિદ્યાર્થીને છરી માર્યા બાદ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હતો. અનેક લોકો વાહન લઈને પસાર થઈ રહ્યાં પરંતુ, કોઈ આ વિદ્યાર્થીની મદદે આવ્યું, ત્યારે એક જાગૃત મહિલા મિનાક્ષીબેન પંડયા પોતાના 13 વર્ષના દિકરા સાથે ગાડી લઈને પસાર થઈ રહ્યાં હતાં. તેમણે યુવકને લોહીલુહાણ હાલતમા જોતા પોતાની કારમા તેને ખાનગી હોસ્પિટલમા સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેનુ મોત નિપજયુ હતું. બોપલ પોલીસે હત્યા કેસમા આરોપીએ પોલો ટી શર્ટ પહેરી હતી અને કાનમા કડીઓ પહેરી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.