December 21, 2024

MG Windsor EV: ફીચર્સ અને સ્પેસ મન મોહી લેશે, નામ પાછળ પણ એક સ્ટોરી

MG Windsor EV: મોરિસ ગેરેજ એટલે કે MG મોટરે આજે સત્તાવાર રીતે તેની નવી ઇલેક્ટ્રિક કાર MG વિન્ડસરને ભારતીય બજારમાં વેચાણ માટે લૉન્ચ કરી છે. કંપની આ ઈલેક્ટ્રિક કારના ટીઝર ઘણા સમયથી રિલીઝ કરી રહી હતી. આકર્ષક દેખાવ અને શક્તિશાળી બેટરી પેકથી સજ્જ આ ઇલેક્ટ્રિક કારની પ્રારંભિક કિંમત રૂ. 9.99 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ નવી MG વિન્ડસરને 3 વેરિઅન્ટ અને 4 રંગોમાં રજૂ કરી છે. ગ્લોબલ માર્કેટમાં આ ઈલેક્ટ્રિક કાર Cloud EVના નામથી વેચાય છે. હવે કંપનીએ તેને અહીંના માર્કેટમાં MG Windsor ના નામ રજૂ કર્યું છે. આ કારનું નામ વિન્ડસર કેસલ રાખવામાં આવ્યું છે. જે ઈંગ્લેન્ડના બર્કશાયર શહેરમાં સ્થિત એક શાહી મહેલ છે. આ કિલ્લો 11મી સદીમાં ઈંગ્લેન્ડ પર નોર્મન આક્રમણ બાદ બાંધવામાં આવ્યો હતો.

કારના ફીચર્સ આવા મસ્ત છે
કારની વાત કરીએ તો તેની લંબાઈ 4295 mm, પહોળાઈ 2126 mm (મિરર સાથે), મિરર વગરની કારની પહોળાઈ 1,850 mm અને ઊંચાઈ 1677 mm છે. તેનું વ્હીલબેઝ 2,700 mm છે. કંપનીએ તેમાં 18 ઇંચનું ડાયમંડ કટ એલોય વ્હીલ આપ્યું છે. કંપનીએ એમજી વિન્ડસરમાં 604 લીટરની બૂટ સ્પેસ આપી છે. આ નવી ઈલેક્ટ્રિક કારના લોન્ચિંગ સાથે, MG મોટરે ગ્રાહકોની બે મોટી સમસ્યાઓ પણ હલ કરી છે. ઈન્ટિરિયરને લક્ઝુરિયસ બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેની કેબિનમાં ઈન્ફિનિટી-વ્યૂ ગ્લોસ રૂફ આપવામાં આવી છે, જેથી કારની કેબિનમાં બેસીને ખુલ્લા આકાશનો નજારો માણી શકો. આ ઉપરાંત, 8.8 ઇંચ TFT ડિજિટલ મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે (MID), 15.6 ઇંચ ઇન્ટેલિજન્ટ કંટ્રોલ પેનલ, અર્ગનોમિક ઇટાલિયન બબલ સ્ટાઇલ સિન્થેટિક લેધર સીટ ઉપલબ્ધ છે.

જગ્યાનું ખાસ ધ્યાન રખાયું
કંપનીએ આ કારમાં જગ્યાનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. તેની ટ્રંક સ્પેસ 1,707 લિટર છે. આ સિવાય 18 અલગ અલગ સ્ટોરેજ સ્પેસ પણ આપવામાં આવી છે. ટી-ટેબલ ટાઈપ સેન્ટ્રલ કન્સોલ પર 3 કપ હોલ્ડર્સ આપવામાં આવ્યા છે જે સ્ટોરેજ બોક્સ સાથે આવે છે. કેબિનમાં 256 કલર એમ્બિયન્ટ લાઇટિંગ આપવામાં આવી છે. કારની પાછળની સીટને સોફા સ્ટાઈલ આપવામાં આવી છે. જેને 135 ડિગ્રી સુધી રિક્લાઈન કરી શકાય છે. આ સીટ લાંબા અંતરની મુસાફરીમાં આરામદાયક સવારી પૂરી પાડે છે. આ ઇલેક્ટ્રિક કારમાં 38 kWh ક્ષમતાની લિથિયમ ફેરો ફોસ્ફેટ (LFP) બેટરી પેક છે. જે સિંગલ ચાર્જમાં અંદાજે 331 કિમીની રેન્જ આપે છે. કાયમી મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ ઇલેક્ટ્રિક કારમાં ઓટોમેટિક હેડલેમ્પ, ઇલેક્ટ્રિક સાઇડ મિરર, ફ્લશ ડોર હેન્ડલ, ઓટો રેન સેન્સિંગ વાઇપર્સ, રિયર ડિફોગર જેવી સુવિધાઓ આપવામાં આવી છે. તેની ઇલેક્ટ્રિક મોટર 136PSનો પાવર અને 200Nmનો ટોર્ક જનરેટ કરે છે.

આ પણ વાંચો: આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

આટલો સમય લાગશે
કંપનીનો દાવો છે કે આ કારની બેટરીને 3.3kW ચાર્જર સાથે ફુલ ચાર્જ થવામાં અંદાજે 13.8 કલાકનો સમય લાગશે. 7.4kW ચાર્જર સાથે, તેની બેટરી 6.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. 50kW ચાર્જર સાથે, તેની બેટરી માત્ર 55 મિનિટમાં 0 થી 80% સુધી ચાર્જ થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક કાર 80 થી વધુ કનેક્ટેડ ફીચર્સ અને 100 થી વધુ વોઈસ કમાન્ડ સિસ્ટમને સપોર્ટ કરે છે. તેમાં ડિજિટલ કીની સુવિધા પણ છે, જે બ્લૂટૂથ દ્વારા કોઈપણને ટ્રાન્સફર કરી શકાય છે. આનો અર્થ એ છે કે તમે તમારી કાર ચલાવવા માટે કોઈને પણ એક્સેસ આપી શકો છો અને આ માટે તમારે ફિઝિકલ ચાવી આપવાની જરૂર રહેશે નહીં.

અદ્ભુત સલામતી
કંપની આ ઇલેક્ટ્રિક કારમાં 35 થી વધુ સેફ્ટી ફીચર્સ આપી રહી છે. જેમાં 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ તરીકે), તમામ વ્હીલ્સ પર ઓલ-ડિસ્ક બ્રેક્સ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ઓટો હોલ્ડ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), EBD સાથે, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ-હોલ્ડનો સમાવેશ થાય છે. નિયંત્રણ, 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ સામેલ છે.