January 23, 2025

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગ

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆતમાં જ મેઘતાંડવ થઈ રહ્યું છે. અહીં ધોધમાર વરસાદને પગલે અંબિકા કાવેરી નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ત્યારે રાજ્યના અમદાવાદ હવામાન કેન્દ્ર પરથી વધુ એક આગાહી જાહેર કરવામાં આવી છે. જેને લઈ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે. જેમાં વલસાડ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગાંધીનગર અમદાવાદ, મહેસાણા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, સુરત, નડિયાદ, ખેડા, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: અંબિકા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્રમાં દોડધામ 

બીજી તરફ મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ X પર માહિતી આપી છે. સોશિયલ મીડીયા મારફતે વલસાડ વહીવટી તંત્રએ લોકોને જાણકારી આપી હતી. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ આ નિર્ણય લેવાયો છે.