January 16, 2025

ભૂજના તીર્થે કરી PM મોદી સાથે મુલાકાત, ગેમિંગ ઈન્ડસ્ટ્રીને લઇને કરી ચર્ચા

નીતિન ગારવા, ભૂજ: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક ચડાવ-ઉતાર જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ઈ સ્પોર્ટસના ભાવિ વિકાસ અંગે ચર્ચા કરવાના હેતુ સાથે ભારતના 7 ગેમર્સને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગેમિંગ ઈન્ડસ્ટ્રી, કન્ટેન્ટ ક્રિએશન, ઈસ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ વિશે વાતચીત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે પૈકી એક યુવાન ભુજનો તીર્થ મહેતા છે. આ મિટિંગમાં વિવિધ વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. તો આ ક્ષેત્રે આવતા પડકારો તેમજ ક્યાં પ્રકારના સુધારાઓ કરી શકાય છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નિષ્ણાતોને બોલાવી તેમની સાથે સ્પોર્ટસના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને બાદમાં એક નાનું ગેમિંગ સેશન યોજવામાં આવ્યું હતું. જ્યાં નરેન્દ્ર મોદી પણ વિવિધ રમતો રમવા માટે ગેમર સાથે જોડાયા હતા. વડાપ્રધાન સાથેની મુલાકાત અને ચર્ચા વિચારણામાં સામેલ થવાની તક ભુજના યુવાન તીર્થ મહેતાને મળી હતી. તીર્થને આ તક મળતાં તેના પરિવાર તેમજ કચ્છ માટે આ ગૌરવની ક્ષણ હતી.

28 વર્ષીય તીર્થને નાનપણથી જ ગેમિંગનો શોખ હતો અને કોમ્પ્યુટર ગેમ્સ તેમજ પ્લે સ્ટેશનની ગેમો તે ખૂબ રમતો હતો. તેણે સિક્કિમની મનીપાલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.સી. આઇટીનો કોર્સ કર્યો છે. તીર્થ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ 2010થી તે ગેમિંગમાં જોડાયો છે. તો વર્ષ 2018ની સાલમાં તીર્થએ થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન ઈ સ્પોર્ટસ ફેડરેશન આયોજિત સ્પર્ધામાં હાર્થસ્ટોન ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

તીર્થે જણાવ્યું હતું કે ગેમ ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટના મંતવ્યો મુજબ આખા ભારતમાંથી 7 જેટલા ગેમર, કન્ટેન્ટ ક્રીએટર અને એથલીટને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં તેમને પણ આમંત્રણ મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલ મિટિંગમાં ગેમિંગ અને તેના ડેવલપમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં નોર્મલ ગેમ્સ, ઈ સ્પોર્ટ્સ, ગેમિંગ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ક્રિએશન જેવા મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીર્થ મહેતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ગેમિંગ છે તે ભુજમાં પણ પહોંચી ગઈ છે ત્યારે તીર્થે તેમને જણાવ્યું હતું કે આજે ગેમિંગ છે તે મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના દરેક ખૂણામાં પહોંચી ગયું છે.

તીર્થ મહેતાએ મુલાકાતની પળો અંગે વાત કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ખૂબ આનંદ થયો. શરૂઆતમાં થોડુક નર્વસ લાગી રહ્યું હતું પરંતુ ત્યાર બાદ જાણે કોઈ પરિવારના સભ્ય સાથે વાત કરતા હોઈએ એવો અનુભવ થયો હતો. તેમણે દરેકેનું સ્વાગત કર્યું હતું અને તેમની પાસેથી પણ એમને ઘણું શીખવા મળ્યું. ચર્ચા વિચારણા બાદ વડાપ્રધાન સાથે એક ગેમિંગ સેશન પણ યોજાયું હતું. જેમાં વડાપ્રધાન દ્વારા ખૂબ સારી રીતે વર્ચ્યુઅલ ગેમ રમીને સ્કોર કરવામાં આવ્યો હતો અને તેઓ ખૂબ સહેલાઈથી અને ઝડપથી ગેમ શીખી રહ્યા હતા અને રમી રહ્યા હતા.