December 23, 2024

સરદાર પ્રેમી દ્વારા બાબરાના ચમારડી ગામે એકતા દિવસની યાદગાર ઉજવણી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલીના બાબરા તાલુકાના ચમારડી ગામમાં એકતા દિવસની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા દ્વારા ચમારડી ગામની ભાગોળે 12 મહાનુભાવોની પ્રતિમાઓનુ અનાવરણ તેમજ મુસાફરો માટે સુવિધા યુક્ત બસ સ્ટેન્ડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે એકતા દિવસ. અમરેલીના બાબરા તાલુકાના નાનકડા એવા ચમારડી ગામે આજે એકતા બતાવી ને એકતા દિવસને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો. ચમારડી ગામના સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા દ્વારા ચમારડી ગામની ભાગોળે ભવ્ય સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

સાથે જ ચમારડી ગામની ભાગોળે સ્થાપિત કરવામાં આવેલા 12 મહાનુભાવોની પ્રતિમાઓનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ તેમજ પુરષોતમ રૂપાલા, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના રાજકીય આગેવાનો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે આ પ્રતિમા આવનારી આપણી પેઢી માટે પ્રેરણા પૂરી પાડશે.

બાબરા તાલુકાના ચમારડી ગામના સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા પોતાના ગામને ચમારડીને ચાર ચાંદ લગાવી દે તેવુ કાર્ય માત્ર પચાસ દિવસોમાં પુર્ણ કર્યુ હતું.

ચમારડી ગામની ભાગોળે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ડો. બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ, સરદાર પટેલ, કૃષ્ણકુમાર સિંહજી, કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા એ જણાવ્યું હતું કે આ મહાપુરુષોની પ્રતિમાઓ સ્થાપિત કરવા પાછળ નો મુખ્ય હેતુ એ છે કે આવનારી પેઢી ભારતના મહાપુરુષો ના બલિદાન ને યાદ કરી શકે.