November 18, 2024

Mehsana : 20 કરોડના ખર્ચે તૈયાર થયેલું સરદાર પટેલ સ્ટેડિયમ વિવાદમાં સપડાયું

MEHSANA - NEWSCAPITAL

મહેસાણામાં રૂ. 20 કરોડના ખર્ચે તૈયાર થયેલું સરદાર પટેલ સ્ટેડિયમ હાલ વિવાદમાં સપડાયું છે. મળતી માહિતી પ્રમાણે, આ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉન્ડના કોન્ટ્રાકટર દ્વારા 80 લાખ રૂપિયા મંજૂરી વગર ખર્ચી નાખ્યા હોવાની વિગત સામે આવતા વિવાદ છેડાયો છે. સમગ્ર મામલે શાસક અને વિપક્ષ બંનેએ વિરોધ નોંધાવતા હાલમાં કંપનીનું બિલ અટકાવી દેવાની ફરજ પડી છે.

શું છે સમગ્ર વિવાદ ?

મહેસાણા શહેરમાં રૂ. 15 કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેડિયમ તૈયાર થયા બાદ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉન્ડ માટે નગરપાલિકા દ્વારા રૂ. 5.19 કરોડનું ટેન્ડર બહાર પાડવા આવ્યું હતું. ત્યાર બાદ ગાયત્રી ઇલેક્ટ્રિક કોર્પોરેશન નામની એજન્સીએ આ કામ માટે 20 ટકા નીચા ભાવ ભરીને ટેન્ડર મેળવ્યું હતું. જે અંતર્ગત લાઇટિંગ અને સાઉન્ડની કામગીરી રૂ. 4.16 કરોડમાં પૂર્ણ કરવાની હતી. આમ છતાં કોન્ટ્રાક્ટરે મૂળ ટેન્ડરની રકમ કરતા રૂ. 80 લાખ વધુ ખર્ચ કરી નગરપાલિકામાં બિલ રજૂ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આ મામલે શાસક અને વિપક્ષ બંનેએ વિરોધ નોંધાવતા હાલમાં મુખ્ય અધિકારીએ કામ પેટે બિલ અટકાવી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, આ મેદાનમાં લાઇટિંગ પાછળ વધુ નાણાં ખર્ચ થયો હોવાનું વિવાદ શરૂઆતથી જ છેડાયેલો છે. ત્યારે હવે કોન્ટ્રાક્ટરે આ વિવાદ વચ્ચે રૂ. 80 લાખ વધુ ખર્ચ કરી બિલ રજૂ કરતા નગરપાલિકાનો શાસક પક્ષ પણ ચોંકી ઉઠ્યો છે. વધુમાં સમગ્ર મામલે વિપક્ષ દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનની માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : …તો આ કારણોથી વિસાવદર બેઠક ભાજપ માટે ખાસ છે

મંજૂરી વિના વધુ રકમ ખર્ચ કરતાં સર્જાયો વિવાદ 

નગરપાલિકામાં નિયમ મુજબ, જ્યારે પણ કોઈ વિકાસ કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવે ત્યારે તેની અંદાજીત કિંમત નક્કી કરવામાં આવે છે. ટેન્ડર જાહેર કર્યા બાદ જો કોઈ વધારાનું કામ કરવાનું થાય તો તેના માટે લાગતા વળગતા અધિકારીની પરવાનગી લઈને કામ કરી શકાય છે. પરંતુ આ કામમાં કોન્ટ્રાકટરે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વિના જ રૂ. 80 લાખની રકમ ખર્ચ કરી દીધી છે. આ રકમ ખર્ચ કરવા પાછળ વધુ કામનું કારણ આપવામાં આવ્યું છે. જો કે આ કામગીરી કરતા પૂર્વે નગરપાલિકામાંથી મંજૂરી લેવાઈ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા સીધું બિલ રજૂ કરવામાં આવતા શાસક પક્ષના સભ્યોએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. વિરોધને કારણે નગરપાલિકા દ્વારા હાલમાં કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવી દેવાયું છે.