પાંચોટમાં 2 હજાર માટલાથી બનાવ્યું પંખીઘર, શિવગંગા એનિમલ સંસ્થાનું સેવાકાર્ય

કમલેશ રાવલ, મહેસાણાઃ પાંચોટમાં 25 ફૂટની ઊંચાઈ પર બહારથી આવતાં પંખી માટે ત્રણ રાઉન્ડમાં 2000 માટલાં ફિટ કરી અનોખું પંખીઘર તૈયાર કરવામાં આવ્યું છે. અહીં પંખીઓને ફોરેસ્ટ જેવું ફિલ થાય તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દરેક સિઝનમાં 5થી 7 ડિગ્રી તાપમાન જળવાઈ રહે તે પ્રકારે પંખીઘર ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ સાથે બીમાર પંખીની સારવાર પણ કરવામાં આવશે. શિવગંગા એનિમલ હેલ્પલાઇન ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ જીવદયા પ્રેમી દિનેશભાઇ શાહે આ જગ્યા દાનમાં આપી છે. અહીં પંખીઓ માટે ઓપીડી, આઇસીયુ વોર્ડ અને ઓપરેશન થિયેટર પણ બનવા જઈ રહ્યું છે. સંસ્થાના પ્રમુખ દિનેશ શાહે જણાવ્યું હતું કે, ‘અમારી સંસ્થા અબોલ પશુ-પક્ષીઓની સારવાર કરી રહી છે. અત્યારે અમારે ત્યાં ગાય માટે આઇસીયુ પણ કાર્યક્રય છે કોઈ પશુ-પક્ષી બીમાર હોય એનો ફોન આવતાં જ સંસ્થાની એમ્બ્યુલન્સ સ્વયંસેવકો સાથે સ્થળ પર પહોંચી જાય છે. માંદા કે ઈજાગ્રસ્ત પશુ-પક્ષીને લઈને પાંચોટ સ્થિત શિવગંગા એનિમલ સંસ્થાની હોસ્પિટલ પર લઈ જવામાં આવે છે. જ્યાં ડોક્ટર ઇજાગ્રસ્ત પશુ-પક્ષીની સારસંભાળ લે છે અને સારવાર કરે છે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘ઘણીવાર સ્થળ પરથી કોઈ પશુને ગંભીર હાલતમાં ન લઈ શકાય તો ત્યાં પણ ડોક્ટર સ્વયંસેવકોની ટીમ સારવાર કરે છે. ત્યારબાદ જ્યારે હોસ્પિટલ લાવી શકાય તેમ હોય ત્યારે હોસ્પિટલ ખસેડે છે. ખાસ કરીને અમારી આ સંસ્થામાં 70 જેટલા સ્વયંસેવકોના સ્વૈચ્છિક સમયદાનના સહયોગથી આ સેવા અવિરત ચાલી રહી છે. સ્વયંસેવકોમાં ખાસ સુખી સંપન્ન પરિવારના યુવાનો આ સેવાયજ્ઞમાં જોડાયેલા છે.’