કડીનો યુવાન કેનેડામાં થયો ગુમ, પિતાએ રડતા રડતા સરકાર પાસે માગી મદદ

મહેસાણા: કડીનો યુવાન પોતાના ઘરના સપના સાકાર કરવા માટે છ વર્ષ અગાઉ કેનેડા ગયો હતો. જ્યાં તે આઈટી ફિલ્ડમાં નોકરી કરતો હતો પરંતુ હવે તે ત્યાં ગુમ થઈ ગયો હોવાની માહિતી સામે આવતા પરિવાર ચિંતિત બન્યો છે. કડીનો કૌશલ વિષ્ણુભાઈ પ્રજાપતિ નામનો યુવાન કેનેડામાં 12 સપ્ટેમ્બરથી ગુમ થયો હોવાની જાણકારી સામે આવી છે.
કૌશલ પ્રજાપતિ કેનેડામાં ગુમ થતા તેના પિતા વિષ્ણુભાઈ અને પરિવારજનો રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયકની ઓફીસ પહોંચ્યા હતા અને પોતાના પુત્રને વિદેશમાં શોધવામાં સરકાર પાસે મદદની માગ કરી હતી. ત્યાં જ મયંકભાઈ નાયકે આ મામલે વિદેશ મંત્રાલય, મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીને જાણ કરી હતી.
કેનેડામાં ગુમ પુત્રના પિતા વિષ્ણુભાઈએ રડતા-રડતા કહ્યું કે, મારા પુત્રને શોધી આપો. કૌશલ છેલ્લા 6 વર્ષથી આઈટી ફિલ્ડમાં કેનેડામાં જોબ કરતો હતો. ત્યાં તેનું કામ સારૂ ચાલી રહ્યું હતું પરંતુ 12 સપ્ટેમ્બરથી તેનો કોઈ પત્તો નથી અને તેની સાથે કોન્ટેક થયો નથી. સરકાર અમારા પુત્રને શોધવામાં અમને મદદ કરે.