February 23, 2025

મહેસાણા-કડીના 100 લોકો સાથે છેતરપિંડી, લોભામણી લાલચ આપી રોકાણ કરાવતા

કડીઃ રાજ્યમાં વધુ એક કંપનીએ રોકાણકારોને છેતર્યા હોવાનો પર્દાફાશ થયો છે. મહેસાણાના નાની કડી વિસ્તારમાં ઓફિસ બનાવીને લોકો સાથે ઠગાઈ આચરી છે. રોકાણના નામે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાંખ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, MS પ્રોપર્ટી તથા ક્રાઉન ફિન નામે બે ફર્મની ઓફિસ બનાવી હતી. મુંબઈના મહેમુદ ઈસ્માઈલ શેખ પોતે સંચાલક હોવાની ઓળખાણ આપતો હતો. મુંબઈથી મહેસાણા તથા કડીમાં રોકાણકારો સાથે મિટિંગ કરતા હતા. મહેસાણામાં રોકાણકારોને રોકાણ કરાવવા બે એજન્ટ રાખ્યા હતા. અંબાસણના વિજયસિંહ વાઘેલા તેમજ નાની કડીના હસમુખલાલ પટેલ એજન્ટ હતા.

બીજાની કાર અને પોતાની પ્રોપર્ટી બતાવીને નાણાં ઉઘરાવતા હતા. સરકારી મંજૂરી લીધા વગર લોકોને રિટર્ન આપતા હતા. લોભામણી લાલચ અને ગિફ્ટ આપી લોકોને ટાર્ગેટ કરતા હતા. જે રોકાણ કરાવડાવે તેને ચોક્કસ વળતર આપવાની લાલચ પણ આપવામાં આવતી હતી. જે રોકાણ કર્યું હોય તેનું 10% લેખે વળતર આપવાની લાલચ આપતા હતા. જેમાં 7% મુખ્ય રોકાણકારને અને 3% એના ઉપરવાળાને રિટર્ન આપવામાં આવતું હતું.

રોકાણકારની ખોટા રૂ.500ના સ્ટેમ્પ પર લખાણ અને નોટરી કરાતી હતી. કંપની તરફથી રોકાણકારોને અપાયેલા ચેક પણ ખોટા હોવાનું સામે આવ્યું છે. ચેક આપી બેંકમાં સ્ટોપ પેમેન્ટની અરજી આપતા હતા. રોકાણકારોને રોકાણ કરાવવા મહેસાણા અને કડીમાં બેઠક કરતા હતા. ખાનગી હોટલોમાં રોકાણકારો સાથે બેઠક કરતા હતા.

નાની કડી ખાતેની ઓફિસ પર રોકાણકારોએ ઉઘરાણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. એજન્ટે ઓફિસ અને ફોન બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સ્કિમમાં આશરે 100 જેટલા લોકો છેતરપિંડીનો ભોગ બન્યાનું સામે આવ્યું છે.