ડીમાર્ટમાંથી ખરીદેલા દહીંમાં ફૂગ, ગ્રાહકે ફરિયાદ કરતા ઉડાઉ જવાબ આપ્યો
મહેસાણાઃ ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો અટકતો નથી. ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દહીંમાંથી ફૂગ નીકળી છે. મહેસાણાના ડીમાર્ટની આ ઘટના છે. જેમાં એક ગ્રાહકે દહીં ખરીદતા તેમાંથી ફૂગ નીકળી હતી.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના ડીમાર્ટમાંથી એક ગ્રાહકે મિલ્કી મિસ્ટ નામની કંપનીનું દહીં ખરીદ્યું હતું. ત્યારે ડબ્બી ખોલતાં જ તેમાં ફૂગ જોવા મળી હતી. મહેસાણાના વેપારી કાર્તિક પૂજારાએ દહીં ખરીદ્યું હતું. તેમની સાથે આ ઘટના બનતા તેમણે ડીમાર્ટના ઓથોરિટી પર્સનને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે ડીમાર્ટે તેમને ઉડાઉ જવાબ આપ્યો હતો.
ત્યારે ગ્રાહકે આ ફૂગવાળા દહીંનો વીડિયો અને ડીમાર્ટમાંથી ખરીદી કર્યાનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, દહીંની ડબ્બીમાં ફૂગ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ આવી અનેક ઘટના બની છે. જેમાં પ્રખ્યાત કંપનીના ફૂડ પ્રોડક્ટમાંથી જીવજંતુઓ નીકળ્યા છે. જામનગરમાં બાલાજીની ક્રન્ચેક્સ વેફરમાંથી તળેલો દેડકો નીકળ્યો હતો. તો અમદાવાદની રેસ્ટોરાંમાં સાંભરમાંથી વંદો નીકળ્યો હતો. આ સિવાય પણ અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે.