December 19, 2024

અમરેલીના ધારીમાં મેઘરાજા મહેરબાન, ખોડીયાર ડેમના બે દરવાજા ખોલાયા

દશરથસિંહ રાઠોડ, અમરેલી: ટૂંકા વિરામ બાદ આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓ ફરી બંને કાંઠે થઈ હતી અને નદીનાળાઓ છલકાઈ ગયા હતા. તેમાં પણ આજે ધારીમાં મેઘરાજા ઓળઘોળ થાય અને અનેક ગામોમાં ભારે વરસાદ કર્યો.

અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં મેઘરાજા ઓળઘોળ થયા હતા અને સવારથી ધારી ગીરના ઉપરવાસના દલખાણીયા,સુખપુર ક્રાગસા, ચાચીપાણીયા સહીત ગામોમાં અનરાધાર વરસાદ પડવાને પગલે ધારીની શેત્રુંજી નદી, હેમરાજિયા નદી અને પીલુખ્યો નદીમાં પૂર આવતા ખોડીયાર ડેમમાં પાણીની આવક વધતા ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા હતા ત્યારે નીચાણ વાળા 40 થી વધારે ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું અને નીચાણ વાળા વિસ્તારમાં કોઈએ અવર-જવર ન કરવા તંત્રએ સૂચનાઓ આપવામાં આવી હતી