December 23, 2024

ભગવાન ઇઝરાયલને તમામ નસરાલ્લાહનો નાશ કરવાની શક્તિ આપે: હિમંતા બિસ્વા સરમા

Himanta Biswa Sarma: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના પડઘા હવે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ સંભળાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે પલવલમાં એક રેલી દરમિયાન હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેણે ઇઝરાયલને શક્તિ આપવા માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. સરમાએ એમ પણ કહ્યું કે જો કોંગ્રેસ હરિયાણામાં સરકાર બનાવશે તો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશે અને મામન ખાન હિન્દુઓને ભગાડી દેશે.

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે દેશના ખૂણે ખૂણેથી બહારના લોકોને બહાર ફેંકવા પડશે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસે સમગ્ર ભારતમાં તુષ્ટિકરણનું વાતાવરણ ઊભું કર્યું છે. તમે જ્યાં જાઓ ત્યાં કોંગ્રેસ પાસે એક જ વસ્તુ છે – તે મિયાં અને મુસ્લિમોને પોતપોતાની જગ્યાએ કેવી રીતે લઈ જઈ શકે. જો દેશમાં કોંગ્રેસની સરકાર ન હોત તો 75 વર્ષ પહેલા અયોધ્યામાં રામ મંદિર બની ગયું હોત. કોંગ્રેસે બાબરને પોષ્યા હતા. હવે બાબરનું સ્થાન રામ લલ્લાએ લીધું છે, પરંતુ દેશના ખૂણે ખૂણે બાબર છુપાયેલો છે. આપણે આ બાબરને દેશની બહાર કાઢવો પડશે. આ માટે ભાજપને વારંવાર જીતાડવું પડશે.

હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના નેતા મામન ખાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘તે કહે છે કે તે હિંદુઓ સાથે સમાધાન કરશે. હું મામનને કહેવા માંગુ છું, શું તમે ઈઝરાયલ દ્વારા આતંકવાદ વિરુદ્ધ કરેલું કામ જોયું છે, અમે ભારતમાં પણ આતંકવાદ વિરુદ્ધ કામ કરીશું. આતંકવાદીને કોઈ બચાવી શકશે નહીં. આ દેશ હિન્દુઓએ બનાવ્યો છે અને હિન્દુઓ પાસેથી કોઈ હિસાબ લઈ શકે તેમ નથી. હિન્દુઓએ આ દેશ બનાવ્યો અને હિન્દુઓ જ દેશને મહાસત્તા બનાવશે.

સરમાએ કહ્યું કે જ્યારે ઇઝરાયલે નસરાલ્લાહની હત્યા કરી ત્યારે INDIAનું ગઠબંધન રડી રહ્યું હતું. વધુમાં કહ્યું, શું સરહદ પર જવાનો શહીદ થાય છે ત્યારે આ લોકો રડે છે? તેણે કહ્યું, ‘જ્યારે હિઝબુલ્લાહ કમાન્ડર મરે છે, ત્યારે તેઓ રડે છે. હું મનમાં એજ કામના કરું છુ કે, દુનિયામાંથી આતંકવાદ ખતમ થવો જોઈએ. ભગવાન ઇઝરાયલને આતંકવાદને ખતમ કરવા માટે વધુ શક્તિ આપે. અમે શાંતિ પ્રેમી લોકો સાથે છીએ, પરંતુ આતંકવાદને પોતાનો ધર્મ માનનારા લોકો સાથે નથી. ભગવાન ઇઝરાયલને વધુ તાકાત આપે જેથી દેશ અને વિદેશમાંના તમામ નસરાલ્લાહનો નાશ થાય.