December 29, 2024

પંચમહાલ ખાતે NEET પરીક્ષાનું મસમોટું કૌભાંડ, ગુજરાતના રાજકારણમાં ગરમાવો

પંચમહાલ: પંચમહાલ ખાતે NEETની પરીક્ષાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે NEETની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા હતા. જે બાદ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીટની પરીક્ષામાં ચોરી કરાવાનું કૌભાંડ
ગોધરામાં યોજાયેલી પરીક્ષામાં કૌભાંડ થયાના આક્ષેપ સાથે કલેક્ટરને મળેલી માહિતીના આધારે કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં અધિકારીઓની તપાસમાં રોકડ રકમ મળી આવી હતી. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ.7 લાખની રોકડ મળી આવી હતી. ત્યાં જ સુપ્રીટેન્ડેન્ટની ચેટમાં 6 વિદ્યાર્થીને ચોરી કરાવવા નક્કી થયાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. જેમાં વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતુ. આ મામલે DEOએ ગોધરા પાલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધા ફરિયાદ નોંધાવી છે. જેમાં તુષાર ભટ્ટ, પરશુરામ રોય અને આરીફ વોરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વ્હોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાઇ ગયું છે. હવે પંચમહાલ NEET પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, માલેતુજારોના સંતાનો પોતાના બાળકોને ગોઠવવા આવા કામ કરે છે. જોકે કલેકટરે જાગૃતિ દર્શાવી તેના માટે તેમને અભિનંદન. પેટે પાટા બાંધીને માતા પિતા બાળકોને ભણાવતા હોય છે ત્યારે કેટલાક માલેતુજાર લોકોના લીધે અને સ્કૂલોના લીધે આવી ઘટનાઓ બને છે. ભૂતકાળમાં શિક્ષણ વિભાગના આશિર્વાદથી શિક્ષણ જગતને લાંછન લાગતી ઘટનાઓ બની છે.

વધુમાં કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું કે, ભાજપની નાની માછલીઓ પકડી મોટા મગરમચ્છો છોડી દેવાય છે. રાજ્ય શિક્ષણ મંત્રી કહે છે કે દાખલો બેસે જેવી કાર્યવાહી કરીશું. પરંતુ અગાઉ પણ પેપર લીક સમયે સરકાર કહેતી કે કોઈ ચમરબંધીને નહિ છોડવામાં આવે પણ કોઈ એવી કાર્યવાહી થઈ નથી.