December 16, 2024

માર્કેટ આઉટલૂક 2025: નવા વર્ષે શેર બજાર પર આપનું વલણ શું હોવું જોઈએ, જાણો તમામ માહિતી

યશ ભટ્ટ, અમદાવાદઃ 2025 માટે પૈસા બનાવવા સહેલું નહીં હોય. જેટલા પણ નિષ્ણાંતો હાલમાં વાતચીત કરી રહ્યા છે, તેમની પાસેથી 2025ના પહેલા 3 મહિના માટે એટલો ભરોસો નથી મળી રહ્યો. એટલે હાલમાં આપ સૌનું ફોકસ મ્યુચ્યુઅલ ફંડ અને SIP સિવાય અન્ય રોકાણનાં ટુલ્સ પર પણ હોવું જોઈએ. ટૂંકમાં માત્ર ઈક્વિટી નહીં. મલ્ટિએસેટ એલોકેશન. જેમાં થોડું ડેટ, થોડું કૉમિડિટી, થોડું ફિઝિકલ એસેટ વગેરે વગેરે.

જેમકે સરકારના બોન્ડ સ્ટેબલ રિટર્ન આપતા હોય છે. એ આપ ધ્યાન પર લઈ શકો. અમુક સરકારી યોજનાઓ સારા રિટર્ન આપી શકે છે. તેમાં પણ આપનું ધ્યાન હોવું જોઈએ. ટૂંકમાં આવા રિટર્ન ભલે ટકાવારીમાં ઓછા લાગે, પરંતુ તે સ્ટેબલ તથા દર વર્ષે ચક્રવૃદ્ધિ ઈમ્પેક્ટ પ્રમાણે સારા રિટર્ન આપી શકે છે.

આપ અમુક ઈન્ટરનેશનલ માર્કેટના શેર અને તેમના મ્યુચ્યુઅલ ફંડ પર પણ ધ્યાન રાખી શકો છો. જો ભારતના માર્કેટ શાંત હશે, તો એવી કોઈક તો જગ્યા હશે, જ્યાં પૈસા બની રહ્યા છે. આ અભ્યાસ કરી આપ નાણાંનું રોટેશન કરી શકો છો.

આ સિવાય અમુક સેક્ટરની જો થીમ આપને સમજમાં આવતી હોય તો એ પ્રમાણે આપ સેક્ટર રોટેશન કરી શકો. જેમકે માર્કેટમાં સુસ્તી હોય અથવા અનિશ્ચિતતાઓ હોય ત્યારે કયા સેક્ટર ચાલતા હોય છે, તે અભ્યાસ કરી આપ પરિવર્તન લાવી શકો છો.

હાલની સ્થિતિ અને આપણા અર્થતંત્ર માટે આવી રહેલા થોડા સ્લોડાઉનના સંકેતોને જોતા 2025ના પહેલા 3 મહિના સુધી તો પડકારોનો સામનો કરવો પડશે તેવા એંધાણ જો છે, તો આપનો પોર્ટફોલિયો લાલ રંગ જ ન બતાવે તે માટે સમય સમય પર નાણાં ફેરવતા રહેવું જરૂરી છે. યાદ રાખો, દરરોજના રિટર્ન કરતાં વાર્ષિક કે ત્રિમાસિક રિટર્ન જોશો તો આપને નફો મળવાની શક્યતાઓ સતત વધી જશે. એટલે દરરોજ માર્કેટમાં કંઈક કરવા કરતાં અમુક સમયે રિવ્યૂ લઈને નિર્ણય કરતા રહેશો તો વધુ અર્થોપાર્જન કરી શકશો.

આપનો મુખ્ય ધ્યેય એક જ હોવો જોઈએ. આપના નાણાં મોંઘવારી પ્રમાણે ઘટવાના બદલે વધવા જરૂરી છે. જો આપના નાણાં સ્થિર પડ્યા રહેશે, તો મોંઘવારી અને ફૂગાવો આપના નાણાં ઉધઈની જેમ કોરી શકે છે. આથી તમારો ધ્યેય એ જ હોવો જોઈએ કે આ ઉધઈ આપના નાણાં કોરી ન ખાય.