કેવી રીતે ભણશે ગુજરાતઃ ગીર ગઢડા તાલુકામાં અનેક શાળાઓ જર્જરિત…!

ધર્મેશ જેઠવા, ગીર ગઢડા: એક તરફ સરકાર દ્વારા શિક્ષણ સુધારવા અને શિક્ષણમાં સૌથી સારી સગવડતાઓ ઊભી કરી રહ્યું છે, સરકાર દ્વારા સગવડતાઓથી સજ્જ શાળાઓ ઉભી કરવામાં આવી રહી છે. બીજી બાજુ, સરકાર દ્વારા ફાળવેલ આ શાળાના બનતા બિલ્ડિંગોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. તેમજ 4 થી 5 વર્ષથી જર્જરિત શાળાઓના ઓરડાઓને તોડીને નવા બનાવવામાં નથી આવી રહ્યાં, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને તંત્ર બેઠું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ગીરગઢડા તાલુકામાં હાલ 87 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાંથી 13 શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. NEWS CAPITAL ગુજરાતની ટીમે આ 13 શાળાઓમાંથી 2 શાળાની મુલાકાત કરી હતી, જેમાં ગીર જંગલમાં આવેલ થોરડી ગામની શાળામાં વર્ષો જૂનો એક ઓરડો શાળામાં જર્જરિત હાલતમાં છે. ચાલુ શાળા દરમિયાન રિસેસ સમયે વિધાર્થીઓ રમી રહ્યાં હોય અને આ જર્જરિત ઓરડામાંથી કોઈ પોપડા ખરે કે બીજી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે? નવા આવેલા આચાર્ય દ્વારા આ અંગે તંત્રને જાણ કરવામાં આવી છે પણ સવાલ એ થાય છે કે આટલા વર્ષોથી આ ઓરડાને શા માટે પાડવામાં નથી આવ્યો.
બીજી શાળા પણ ગીર ગઢડા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ એભલવડ ગામની છે. અહીં નવી શાળા બે પાળીમાં છે કારણ કે અહીં પ્રાથમિક શાળામાં માત્ર 4 જ ઓરડાઓ છે. જેથી બાળ મંદિરથી ધોરણ 8 સુધીના વિધાર્થીઓને બે પાળીમાં અભ્યાસ કરાવવામાં આવે છે. નવી શાળામાં વિધાર્થીઓને રમવા માટે કોઈ મેદાન નથી. અહીં એભલવડમાં જૂની શાળા આવેલી છે જે છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે. બંને શાળા સામસામે આવેલી છે. જર્જરિત શાળાના મેદાનમાં જર્જરિત જુનો કોમ્યુનિટી હોલ આવેલો જે દૂર કરી તેની જગ્યા શાળાને ફાળવવા ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરી આપ્યો છે. બાળકોના સર્વાંગી વિકાસની વાતો કરતી સરકાર અને તંત્ર લોકોને ભ્રમિત કરે છે અને અંતરિયાળ વિસ્તારની પરિસ્થિતિ કંઈક અલગ છે. અહીં સુધી સુવિધાઓ પહોંચતી જ નથી.
ગીર ગઢડા તાલુકાની નવા ઝાંખિયા ગામે મધ્યાહન ભોજનના રસોડામાં પોપડા પડવાની અને ઉના તાલુકાની વાંસોજ ગામે પોપડા પડવાથી 7 વિધાર્થીઓને માથાના ભાગે ઇજા થવાની ઘટના બન્યા બાદ સફાળું તંત્ર જાગ્યું છે, પણ અહીં વાંસોજ ગામની ઘટનામાં તપાસ તપાસ રમવામાં આવી રહ્યું છે જ્યારે શાળાનું બિલ્ડિંગ બનાવનાર ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.