વડોદરાના માંજલપુરમાં પ્રોપર્ટીના વિવાદમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે ચકચારી ઘટના બની હતી. જેમાં પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ચકચારી ઘટનામાં પત્નીને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા પામી હતી. લોહીમાં લથબથ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આ મામલે પોલીસે ઘટને સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રોપર્ટી બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઇ
માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનમેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિએ પોતાના પાસેની બંદૂકથી ગોળી મારી હતી. આ ઘટનામાં ગંભીર ઇજા પામેલા નીલમબેનને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી એરફોર્સ અને ત્યાર બાદ ONGCમાંથી નિવૃત થયા છે અને 77 વર્ષની ઉંમર છે. પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રોપટીને લઈને વિવાદ ચાલતો હતો. પત્ની નીલમ શર્માએ આજે મિલ્કત ઉપર કબ્જો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

માંજલપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના
પતિએ પત્નીને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રોપર્ટી બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ હતી અને પતિએ પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું. ઝઘડામાં છોડવવા વચ્ચે પડેલા પ્લમ્બરને પણ ઈજાઓ પહોંચી છે. પતિએ ગોળી મારતા પત્ની નીલમ શર્માને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી છે. જેથી લોહીમાં લથબથ નીલમ શર્મા અને પ્લમ્બરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. માંજલપુર પોલીસે પતિ હરીન્દર શર્માની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.