December 21, 2024

Manish Tewariના કાર્યાલયે આપ્યો જવાબ, ભાજપમાં જોડાવાની વાત અફવા

દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મનીષ તિવારી લુધિયાણા લોકસભાથી ભાજપના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડવા માગે છે. જો કે ભાજપના સૂત્રોનું માનવામાં આવે તો હજુ પણ લુધિયાણા બેઠકને લઈને કોઈ વાત સ્પષ્ટ નથી. જેના કારણે આ બેઠકનો મુદ્દો હજુ અટવાયેલો છે. આ તમામ વાતને મનીષ તિવારીએ નકારી દીધી છે. તિવારીના કાર્યાલયે તેને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે વાતો નિરાધાર છે.

તમામ પક્ષો વ્યસ્ત
લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેને લઈને તમામ પક્ષના નેતાઓ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. જોકે આ તમામ રાજકિય ખેલમાં કોંગ્રેસને માથે લટકતી તલવાર હોય એમ એક બાદ એક નેતાઓ પાર્ટીને ટાટા કહીને પક્ષને અલવિદા કહી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના કદાવર નેતા મનીષ તિવારીને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તેવો કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ શકે છે. કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથ ભાજપમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસને છોડી દીધું
રાજકારણમાં ચૂંટણી આવે એટલે અફવાઓ જોર પકડે છે. પરંતુ ઘણી વખત આ અફવાઓ હકીકત બની જતી હોય છે. જેમાં સુત્રોએ આપેલી માહિતી અનુસાર છિંદવાડાથી 9 વખત સાંસદ રહી ચૂકેલા કમલનાથ કોંગ્રેસ પરિવારથી અલગ થઈ શકે છે. આ સાથે કોંગ્રેસને છોડીને તેઓ ભાજપમાં જઈ શકે છે. થોડા દિવસ પહેલાની જ જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના દિગ્ગજ કોંગ્રેસી નેતા અશોક ચવ્હાણે પણ કોંગ્રેસને છોડી દીધું છે. અશોક ચવ્હાણે ભાજપને જોઈન કર્યું છે. આ સમયે અશોક ચવ્હાણે કહ્યું કે મોદીજીને તેમના વિકાસ કાર્યોમાં સાથ આપવો એ અમારી પ્રથમ પ્રાથમિકતા હશે.