January 21, 2025

કમલનાથ બાદ હવે મનીષ તિવારી પણ પાર્ટી છોડવાની તૈયારીમાં…?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં એક પછી એક મોટા ગાબડા પડી રહ્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા જ પક્ષ પલટો કરી રહ્યા છે. જેમાં આજે મનીષ તિવારીનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. કમલનાથ બાદ આજે પંજાબ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીની ચર્ચા ચાલી રહી છે કે તેઓ BJPના નેતાઓના સંપર્કમાં છે અને જલ્દી જ કોંગ્રેસને છોડવાની તૈયારીમાં છે.

મનીષ તિવારી પંજાબના આનંદપુર સાહિબ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ છે. ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે મનીષ તિવારી આનંદપુર સાહિબ બેઠકની જગ્યાએ લુધિયાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગે છે. તો બીજી તરફ પાર્ટી પાસે લુધિયાણા બેઠક પર પહેલાથી જ ઉમેદવાર નક્કી છે. આથી માત્ર બેઠકને લઈને આ ચર્ચા અટકેલી છે.

મનીષ તિવારીની રાજકીય સફળ
મનીષ તિવારી સાંસદ હોવાની સાથે એક વકીલ છે. 17મી લોકસભામાં તેઓ પંજાબના આનંદપુર સાહિબથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ સરકારના સમયેમાં 2012થી 2014 સુધી સુચના અને પ્રસારણ મંત્રાયલ અને 2009થી 2014 સુધી લુધિયાણાના સાંસદ રહી ચુક્યા છે. આ સાથે તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પણ રહી ચુક્યા છે.

તિવારી 1988થી 1993 સુધી ભારતીય રાષ્ટ્રય છાત્ર સંગના અધ્યક્ષ હતા. 1998થી 2000 સુધી ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. 2004માં લોકસભા ચૂંટણી લડ્યા અને તેમની હાર થઈ. 2009માં શિરોમણી અકાલી દળના ઉમેદવારને હરાવીને લોકસભા ચૂંટણી જીત્યા. માર્ચ 2014માં ખરાબ સ્વાસ્થના કારણે લોકસભા ચૂંટણી નહી લડ્યા.