December 26, 2024

પુરુષ એક કરતાં વધુ લગ્નોની કરાવી શકે નોંધણી: મુસ્લિમ મેરેજને લઈને બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

Muslim Marriage: મુસ્લિમ લગ્નને લઈને બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે બુધવારે જણાવ્યું કે મુસ્લિમ પુરુષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરાવી શકે છે કારણ કે તેમના ‘પર્સનલ લૉ’માં બહુપત્નીત્વની મંજૂરી આપવામાં આવી છે. હાઈકોર્ટનો આ આદેશ એ અરજી પર આવ્યો છે જેમાં એક મુસ્લિમ વ્યક્તિ અને તેની ત્રીજી પત્નીએ પોતાના લગ્નની નોંધણી કરવાનો અધિકારીઓને નિર્દેશ આપવાની માંગ કરી હતી.

જસ્ટિસ બી પી કોલાબાવાલા અને જસ્ટિસ સોમશેખર સુંદરેસનની ડિવિઝન ખંડપીઠે 15 ઑક્ટોબરે થાણે નગર નિગમની સબ-મેરેજ રજિસ્ટ્રેશન ઑફિસ ખાતે ગત વર્ષે ફેબ્રુઆરીમાં એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા દાખલ કરેલી અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. જણાવી દઈએ કે, મુંબઈના એક વ્યક્તિએ અલ્જીરિયાની એક મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જેની નોંધણી માટે તેઓ નિગમ કચેરી ખાતે પહોંચ્યા હતા.

મુસ્લિમ દંપતીએ પોતાની અરજીમાં લગ્ન પ્રમાણપત્ર ઇસ્યુ કરવા મામલે અધિકારીઓને નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમની અરજી નામંજૂર કરવામાં આવી હતી કારણ કે તે પુરુષ અરજદારના ત્રીજા લગ્ન હતા.

નગર નિગમે લગ્નની નોંધણી કરવાનો કર્યો હતો ઇનકાર
તો, નગર નિગમના અધિકારીઓએ તે આધારે લગ્નની નોંધણી કરવાનો ઇનકાર કરી દીધો હતો કે મહારાષ્ટ્ર મેરેજ બ્યુરો રેગ્યુલેશન એન્ડ મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ લગ્નની વ્યાખ્યામાં માત્ર એક લગ્નનો સમાવેશ કરવામાં આવ્યો છે, એક કરતાં વધુ લગ્નનો નહિ.

કોર્ટે નગર નિગમના નિર્ણયને ગણાવ્યો ખોટો
આ અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટની ખંડપીઠે અધિકારીઓની દલીલને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણપણે ખોટી ધારણા પર આધારિત છે. કાયદામાં એવું કંઈ નથી મળ્યું કે જેનાથી મુસ્લિમ વ્યક્તિને ત્રીજા લગ્નની નોંધણી કરતા અટકાવે.

કોર્ટે કહ્યું કે, મુસ્લિમોને પર્સનલ લો હેઠળ એક સાથે ચાર લગ્ન કરવાનો અધિકાર છે. અમે અધિકારીઓની એ દલીલને સ્વીકાર નથી કરી શકતા કે મહારાષ્ટ્ર મેરેજ બ્યુરો રેગ્યુલેશન એન્ડ મેરેજ રજીસ્ટ્રેશન એક્ટની જોગવાઈઓ હેઠળ માત્ર એક જ લગ્નની નોંધણી થઈ શકે, મુસ્લિમ પુરુષના કિસ્સામાં પણ.