December 21, 2024

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મોટી દુર્ઘટના, વરસાદના કારણે દિવાલ પડી, 2ના મોત, 10 ઘાયલ

Ujjain Mahakal temple wall collapses: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં શુક્રવારે મોટો અકસ્માત થયો હતો. અહીં સતત ભારે વરસાદને કારણે ગેટ નંબર ચારની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. માહિતી અનુસાર, માટી ધસી જવાને કારણે આ દિવાલ પડી છે. દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, જેમાં 2 લોકોના મોત અને અનેક ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે બચાવ કામગીરી શરી કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. એક ઘાયલ બાળકને પગમાં ગંભીર ઈજાઓ છે, જેને ઈન્દોરની જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં માટી ધસી પડવાના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

ઘટના સ્થળે અફરા-તફરીનો માહોલ
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે જોરદાર અવાજ આવ્યા બાદ દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. અનેક ફૂટ ઉંચી આ દિવાલનો કાટમાળ જમીન પર ફેલાઈ ગઇ છે. તે સમયે નજીકમાં હાજર મોટી સંખ્યામાં લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને પગલે થોડીવાર માટે ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ચીસો પાડવા લાગ્યા અને પોતાનો જીવ બચાવવા અહીં-ત્યાં દોડવા લાગ્યા. આરબીસી 6(4) હેઠળ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

પાણી સતત વહેતું
અકસ્માત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાનું શરૂ કરી દીધું છે. ઘટના સ્થળની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય મંદિર પરિસરની બહાર અને અંદર આવા સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી રહી છે, જ્યાં વરસાદી પાણીનો ખતરો છે. તે જ સમયે, જ્યાં દિવાલ ધરાશાયી થઈ છે, ત્યાં પાણી સતત વહી રહ્યું છે, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે.