July 1, 2024

Ambalaમાં ગંભીર અકસ્માત: એક જ પરિવારના 7 લોકોનાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. આ ઘટનામાં 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેની હાલ અંબાલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત અંબાલામાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત એક મિની બસ અને ટ્રક સાથે અથડાવાને કારણે થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હાઇવે પર ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી હતી જેના કારણે પાછળથી આવતી મીની બસ તેની સાથે અથડાઇ હતી.

બસ બુલંદશહેરથી જમ્મુ જઈ રહી હતી
પોલીસના જણાવ્યા અનુસાર યુપીના બુલંદશહરના ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મીની બસ દ્વારા જઈ રહ્યા હતા. અન્ય લોકો કે જેઓ આ અકસ્માતમાંથી બચી ગયા હતા તેઓએ જણાવ્યું હતું કે તેમની મીની બસની આગળ ચાલી રહેલી ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે મીની બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 7 લોકો એક જ પરિવારના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઘાયલ ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચોઃ ઉત્તર ભારતના રાજ્યોમાં આગ ઝરતી ગરમી, દેશના 16 શહેરમાં પારો 45+

ઘણા ઘાયલોની હાલત હજુ પણ ગંભીર
અંબાલાના પડાવ પોલીસ સ્ટેશનના એસએચઓ દિલીપે જણાવ્યું કે ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. જ્યારે ઘણાની હાલત અત્યંત નાજુક છે. જેમની હાલત વધુ ગંભીર છે તેમને નજીકની મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા કેટલાક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે કેટલાક ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.