November 19, 2024

મહુડીના ઘંટાકર્ણ મંદિરના ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ, જાણો સમગ્ર વિવાદ

આશુતોષ ઉપાધ્યાય, ગાંધીનગરઃ જિલ્લાના મહુડીના ઘંટાકર્ણ મંદિરના ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ 2012થી અત્યાર સુધીમાં 130 કિલો સોનું અને 14 કરોડની નોટો બદલાવીને કૌભાંડ કરવામાં આવ્યું છે. મહુડી સંઘના 280માંથી 20 જેટલા સભ્યોએ આ જાણકારી આપી હતી. આ સમગ્ર મામલે ચેરિટી કમિશનર દ્વારા આગામી ચોથી જૂને ચુકાદો આવશે.

ગાંધીનગર પાસે આવેલા મહુડી મંદિરમાં પણ ટ્રસ્ટીઓએ એકહથ્થુ શાસન ચલાવીને કૌભાંડ કર્યાનો આક્ષેપ સંઘના સભ્યોએ લગાવ્યો હતો. મહુડી સંઘની સ્થાપના આશરે 100 વર્ષ પહેલાં પટેલ કુળમાં જન્મેલા જૈન સમુદાયના મહાન આચાર્ય શ્રીમદ્‌ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે ચાર પરિવારના વડીલોને સાથે રાખી કરવામાં આવ્યો છે. આ ચાર પરિવાર એટલે કે મહેતા પરિવારના 2 વડીલો, શાહ પરિવારના 1 વડીલ અને વોરા પરિવારના 1 વડીલ રાખી સંઘ બનાવવામાં આવ્યો છે. આ સંઘમાં સભ્ય મહુડી ગામના આ ચાર પરિવારના જ સભ્ય આજીવન સભ્યો છે. વર્ષ 2016માં નોટબંધીના સમયમાં મહુડી સંઘના જે-તે સમયના વોરા પરિવારના ભુપેન્દ્રભાઈ વોરા તથા કમલેશભાઈ મહેતાએ 20 ટકા કમિશન લઈ આર્થિક લાભ લઈ નાણા બદલ્યા હતા. આર્દશ કોઓ બેન્કના ચેરમેન મુકેશભાઈ મોદીએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તે સ્કેમના બરાબરના હિસ્સેદાર મહુડી સંઘના ભુપેન્દ્રભાઈ વોરાએ સ્કેમના નાણાંથી સોનું ખરીદ્યુ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન નિષ્ણાંતોની આગાહી

શ્રી ઘંટાકાર્ણ મહાવીર દેવનું મંદિર દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરની અખૂટ શ્રદ્ધાને લીધે જૈન સમાજ તમામ લોકો કિંમતી ભેટ સોગાદ, નાણાકીય ભેટ, ચઢાવા બોલી વગેરે દાદાના ચરણોમાં અર્પણ કરે છે. મહુડી સંઘના તમામ નાણા લોકોની શ્રદ્ધાના તથા ભાવનાના નાણા છે. આવા લોકોના શ્રદ્ધાના નાણાથી મહુડી સંઘના નામે ખરીદેલી મિલકત આજ દીન સુઘી ચોપડે લેવામાં આવી નથી. આવા પ્રખ્યાત ટ્રસ્ટમાં શ્રદ્ધાળુઓ કેટલી ભેટ સોગાદો આપી જાય છે, તે પણ ટ્રસ્ટના ચોપડે લેવામાં આવતી નથી. ખરીદેલી મિલકત આજ દીન સુધી ચોપડે લીધી નથી. આ ચઢાવવા બોલીના નાણા શ્રદ્ધાળુઓ ટ્રસ્ટમાં જમા કરાવે છે. આવા કોઈપણ નાણા ટ્રસ્ટના ચોપડે લેવામાં આવતા નથી. તેનું કોઈ પત્રક પણ બનાવવામાં આવતું નથી. ટ્રસ્ટના દરેક પત્રકો જેવા કે, સ્ટોક પત્રક, ભંડોળ પત્રક, ચઢાવા બોલી પત્રક, ભગવાનના આભુષણ પત્રક, ધર્મશાળા, ભોજનશાળાના સ્ટોક પત્રક વગેરે કમલેશભાઈ મહેતા તથા ભુપેન્દ્રભાઈ વોરાની સાથે હતા. એમની ગેરરીતીઓ છુપાવવા માટે આજ દીન સુધી સંઘના વાર્ષિક હિસાબો સંઘની સામાન્ય સભામાં પાસ કરાવ્યા વગર ઓડિટ કરાવી છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી – બે દિવસ વરસાદ બાદ હીટવેવની શક્યતા

ભુપેન્દ્રભાઈ વોરાએ ટ્રસ્ટીઓ સાથે સ્ટ્રોંગ રુમમાંથી 66 કિલો સોનું બહાર કાઢ્યું છે. તે બાબતનો પુરાવો રજૂ કર્યો છે. હાલમાં આ સોનું ક્યાં છે, કોની પાસે છે. તે બાબતની તપાસ કરવા માટે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને તેની તપાસ ચાલુ છે. મહુડી ટ્રસ્ટના નાણાંથી બિનજરુરી માર્બલ, ગ્રેનાઈટ, લોખંડના સળીયા વગેરેની ખરીદી કરી લોકોની શ્રદ્ધાના નાણાં વ્યર્થ કર્યા છે. હાલમાં આ ખરીદેલી વસ્તુઓ સડી ગઈ છે અને ચોરાઈ ગઈ છે. છતાં પણ હાલ આવી બિનજરૂરી ખરીદી ચાલુ છે. તેનાથી અંગત લાભ લેવાનું ચાલુ છે. ત્યારે ઠોસ કાર્યવાહીની માગ ઉઠી છે.