દીકરીનું જાતિનું પ્રમાણપત્ર કાઢવા મામલતદારનો ત્રાસ, પિતાએ આપઘાત કર્યો!
મહીસાગરઃ જિલ્લામાં અવારનવાર આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કડાણા તાલુકાના રણકપુર ગામમાં પણ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, કડાણા તાલુકાના રણકપુર ગામમાં આધેડે આત્મહત્યા કરી છે. દીકરીને જાતિનું પ્રમાણપત્ર ન મળતા પિતાએ આત્મહત્યા કરી છે. મૃતકના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રણકપુર ગામમાં રહેતા ઉદભાઈ ડામોરે આત્મહત્યા કરી છે. કડાણા મામલતદાર દ્વારા પ્રમાણપત્રમાં પૂરતા પુરાવા હોવા છતાં જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવતું નહોતું. પુત્રીના પ્રમાણપત્ર માટે પિતાએ વારંવાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા. તેને કારણે પિતાએ આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.