December 22, 2024

બાલાસિનોરમાં હાથીદાંત વેચવા નીકળેલા 5 ઈસમોની ધરપકડ

મૃગરાજસિંહ પુવાર, મહિસાગરઃ બાલાસિનોર નગર વિસ્તારમાં હાથીદાંતની તસ્કરી થઈ રહી હતી. આ અંગેની બાતમી વાઇલ્ડ લાઇફ કંટ્રોલને મળતા સ્થાનિક બાલાસિનોર વન વિભાગને સાથે રાખી છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં હાથીના દાંત સાથે 5 આરોપીને સ્થાનિક વન વિભાગે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર, વાઇલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોને અંગત બાતમી સાથે માહિતી મળી હતી કે, મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે હાથીના દાંતની તસ્કરી થઈ રહી છે. જેથી મહિસાગર વન વિભાગની ટીમ, બાલાસિનોર રેન્જ સાથે રાખીને વાઇલ્ડ લાઇફ ક્રાઈમ કંટ્રોલના કર્મચારી સાથે રહી વેપારી બની છટકું ગોઠવ્યું હતું. આ સાથે હાથી દાંત વેચનારા ઇન્દ્રિશ મહમ્મદ શેખને મળ્યા હતા. પરંતુ ઈન્દ્રિશને ભણક લાગી જતાં હાથીદાંત ડીલ કેન્સલ કરી હતી. તેથી વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના કર્મચારી અને સ્થાનિક વન વિભાગ સાથે સ્થાનિક પોલીસના માણસો રાખીને ઈન્દ્રિશના ઘરે રેડ કરી હતી. તેથી આરોપી ઇન્દ્રિશ ડરી ગયો હતો અને તમામ સાચી હકીકતો જણાવી હતી.

તેણે કહ્યું હતું કે, ‘મારા ઘરે હાથીદાંત નથી. પરંતુ અમારા પાર્ટનર સુલતાન અહમદ ગુલામનબીના ઘરે છે. જેથી ટીમ દ્વારા રાત્રે 3.30 કલાકે અહમદના ઘરે રેડ કરતા અહમદની પત્ની સાહિદાબાનુ પાસેથી હાંથીના દાતનાં ૪ ટુકડાં મળી આવ્યા હતા. જેથી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ 1972 હેઠળ આરોપી ઈન્દ્રિશ મોહમ્મદ શેખ, સમીર સેફીભાઈ શેખ, અખ્તર હુસેન તાજ મહમ્મદ શેખ, સાહિસ્તાબાનો સુલતાન અહમદ શેખ, સુલતાન અહેમદ ગુલામુદ્દીન શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ બાલાસિનોર વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.’

બાલાસિનોર ફોરેસ્ટ અધિકારી જુહી ચૌધરીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ‘આ દાંત વર્ષોથી તેમના બાપ દાદાના સમયથી તેમની પાસે હતો. તેમણે અન્ય ઈસમ દ્વારા લાલચ આપતા તેમણે પૈસાની લાલચમાં આવી જતા અને આ દાંતની અધધધ કિંમત મળતા તેમની આંખો અંજાઈ જતા ગરીબ પરીવાર 20 લાખમાં વેચવા નીકળ્યા હતા.’