January 2, 2025

આ રીતે ભણશે ગુજરાત? મહીસાગરમાં 174 આંગણવાડી ભાડાનાં મકાનમાં-204 અન્ય જગ્યાએ

મૃગરાજસિંહ પુવાર, મહીસાગરઃ જિલ્લામાં 1316 આંગણવાડી કેન્દ્રો પૈકી 378 ભાડાના મકાન તેમજ અન્ય જગ્યા પર ચાલતા પાયાનું શિક્ષણ જોખમી છે. જિલ્લામાં 174 ભાડાના મકાનમાં, 204 અન્ય જગ્યા પર આંગણવાડી કાર્યરત છે.

મહીસાગર જિલ્લામા આંગણવાડી મામલે વિકાસના કાર્યો પર સવાલો ઊભા થયા છે. જિલ્લામાં ચાલતી 1316 આંગણવાડી પૈકી 378 અન્ય જગ્યાઓ પર આંગણવાડીઓ ચાલી રહી છે. તો 174 ભાડાના મકાનમાં ચાલી રહી છે તથા 204 સ્થળો એવા છે કે, વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અન્ય જગ્યા પર ચાલી રહી છે. જ્યારે લુણાવાડાના આજણવા કોલોનીની આંગણવાડી જર્જરિત થઈ જવાથી ભાડાના મકાનમાં બેસવું પડે છે.

રાજ્ય સરકાર પાયાનું શિક્ષણ મળી રહે માટે અદ્યતન અને સુવિધા સબર આંગણવાડી કેન્દ્રો ઉભા કરી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઘટક ૩ની અંદર આંગણવાડીની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ આજણવા કોલોની ખાતે બનેલી આંગણવાડી કેન્દ્ર છેલ્લા બે વર્ષથી જર્જરીત હોવાને લઈ વિદ્યાર્થીઓને ભાડાના મકાનમાં બેસવાની ફરજ પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી આંગણવાડીના સંચાલક અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ફ્લોરિંગ તેમજ ખાડો ન પૂરાતા બાળકો હાલ ભાડાના મકાનમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે.

સરકાર એક બાબતે કરોડ રૂપિયા ખર્ચે અદ્યતન આંગણવાડી કેન્દ્રો બનાવી રહી છે. ત્યારે તેનું જાણે કોઈ સુપરવિઝન જ કે તેની કોઈ દેખરેખ જ ન થતી હોય તેમ કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાની કામગીરી કરી અને બાળકોનું જીવ જોખમી કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી અહીં આંગણવાડી કેન્દ્રમાં બાળકોને બેસવા દેવામાં આવતા નથી. તેથી છેલ્લા બે વર્ષથી ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓ અભ્યાસ લઈ રહ્યા છે. ત્યારે ટેકરી ફળિયા તેમજ ખોડીયાર મંદિર ખાતે આવેલી આંગણવાડી પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે. ત્યારે આવી આંગણવાડીમાં નથી રમતગમતનું મેદાન કે નથી શૌચાલય જેવી કોઈ પૂરતી સુવિધાઓ જેને લઇ બાળકોના પાયાના શિક્ષણ ઉપર તેની સીધી અસર પડી રહી છે.

સરકાર મસમોટા દાવા કરી રહી છે, તેની સામે મહીસાગર જિલ્લાની વાસ્તવિકતા અલગ જ જોવા મળી રહી છે. અહીં સરકાર આ બાબતને ગંભીરતા લઈ આવી નવીન બની રહેલી આંગણવાડી કેન્દ્ર ઉપર સુપર વિઝન તેમજ ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ સુનિશ્ચિત કરે તેવી સ્થાનિક કક્ષાએથી માગ ઉઠી રહી છે. ત્યારે પાયાનો શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ હાલતો ભાડાના મકાનમાં તેમજ કેટલીક જગ્યાએ ખુલ્લા આસમાનમાં શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે બાળકોને યોગ્ય સફળ સુવિધા સાથે સારી આંગણવાડીઓ બનાવી બાળકોનું પાયાનું ભણતરનો અનુભવ સારો મળે તેમ કરવું જોઈએ.