પૂર્વ ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા ભાજપમાં જોડાશેે
મહેસાણાઃ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય ડૉ. ચતુરજી ચાવડાએ તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. વર્ષ 2023 વિધાનસભા ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે વિજાપુર બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ અધિકારીમાંથી નેતા બનેલા ચતુરજી જવાનજી ચાવડા આજે વિધિવત રીતે ભગવો ધારણ કરશે.
મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે
વર્ષ 2023 વિધાનસભાની ચૂંટણી બાદ અને આગામી લોકસભા 2024 ની ચૂંટણી પહેલા એક પછી એક વિપક્ષના ધારાસભ્યો ભગવો ધારણ કરી રહ્યા છે, તેવામાં આ યાદીમાં સી. જે. ચાવડા પણ ઉમેરાશે. ડૉ. સી. જે. ચાવડા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ધારણ કરશે. તાજેતરમાં જ ડૉ. સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ડૉ. સી.જે.ચાવડાની સાથે તેમના ટેકેદારો પણ ભાજપમાં જોડાશે.
આ પણ વાંચો : કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલ ખસેડાયા
કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓમાં પણ નારાજગી – સી જે ચાવડા
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી. ડૉ. સી. જે. ચાવડા પહેલા ખંભાત બેઠક પરથી કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલે પણ પાર્ટી છોડી હતી. ડૉ. સી. જે. ચાવડા વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. રાજીનામું આપ્યા બાદ ડૉ. સી. જે. ચાવડાએ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ સમયાંતરે ખોટા નિવેદનો કરે છે અને સરકારનો વિરોધ કરતા રહે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો હતો અને સર્જિકલ સ્ટ્રાઈક પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે, મારા સિવાય કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓમાં પણ નારાજગી છે.