December 25, 2024

12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું ‘જસમલનાથ મહાદેવ’નું શિવાલય, અદ્ભુત કલા-કોતરણી

વિવેક ચુડાસમા, અમદાવાદઃ શિવાલયયાત્રા શ્રાવણ મહિનાના ચોવીસમા દિવસે પહોંચી ગઈ છે મહેસાણાના વિજાપુર તાલુકાના આસોડા ગામે. અહીં આવેલું છે 12મી સદીનું ‘જસમલનાથજી મહાદેવ’નું શિવાલય. ચાલુક્ય વંશના મહારાજાએ આ મંદિર બંધાવ્યું હોવાની માન્યતા છે. આવો જાણીએ સમગ્ર ઇતિહાસ…

જસમલનાથજી મહાદેવ મંદિર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામમાં આવેલું છે. ત્યાંના સ્થાનિક લોકો આ જગ્યાને ‘વૈજનાથ મહાદેવ’ મંદિર તરીકે ઓળખે છે. આ મંદિર શિવને સમર્પિત છે. આ મંદિર 12મી સદીમાં બનેલું હોવાની માન્યતા છે. તેમાં ગર્ભગૃહ, મંડપ અને તોરણનો સમાવેશ થાય છે.

સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં બંધાયું મંદિર
આ મંદિર વિશે કોઈ ખાસ કહાણી જાણવા મળી નથી. પરંતુ ઇતિહાસની વાત કરવામાં આવે તો, આ મંદિર 12મી સદીમાં ચૌલુક્ય શાસક (સોલંકી શાસક) જયસિંહ સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત અને જાળવવામાં આવેલ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.

કેવું છે મંદિરનું આર્કિટેક્ચર?
જસમલનાથજી મહાદેવ મંદિર તે સમયકાળના પંચાયતન મંદિરોમાંનું એક અદ્ભુત ઉદાહરણ છે. મુખ્ય મંદિરની આજુબાજુના ચાર મંદિરો ખંડેર થઈ ગયા છે. માત્ર મુખ્ય મંદિર જ બચી ગયું છે. સંડેરમાં આવેલા મંદિર જેવું આ મંદિર છે, પરંતુ તેના કરતાં મોટું છે. મંદિરના દાદરાની આજુબાજુમાં મૂર્તિઓ સહિતની કોતરણી કરવામાં આવી છે. મંડપની ચાતુસ્કીને રુદ્ર મહાલયના મંદિરની જેમ જ વંદનમાલિક પ્રકારે કોતરવામાં આવી છે. મંદિરનો તોરણ અને એક મંડપ, વડનગર અને દેલમાલમાં આવેલા લિંબોજ માતાજી મંદિર જેવું છે.

કેવી રીતે પહોંચવું?
ગુજરાતના દરેક શહેરથી મહેસાણા જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા મળી રહે છે. તો રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી મહેસાણા જઈ શકાય છે. મહેસાણાથી જસમલનાથ મહાદેવના મંદિરે જવા માટે પહેલા વિજાપુર જવું પડે છે અને ત્યાંથી આસોડા જઈ શકાય છે. વિજાપુરથી આ મંદિરે જવા માટે રિક્ષા કે ટેક્સીની સુવિધા ઉપલબ્ધ છે.