December 18, 2024

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

મહેસાણાઃ કરોડો શ્રધ્ધાળુઓના આરાધ્ય દેવી કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન, તીર્થસ્થાન અને મહાશક્તિપીઠ ગણાતા કુળદેવી ઉમિયા માતાજીના ઉંઝાના દિવ્ય અલૌકિક મંદિર પર ભાદરવા સુદ નોમથી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ધજા મહોત્સવનો શુભારંભ કરી ધજા ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ ઉમિયા બાગમાં ઉછમણીના દાતાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. ખાસ મુખ્યમંત્રી તેમજ મહાનુભાવો દ્વારા 1868 બહેનોની ઝવેરા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિર પર વિજય ધ્વજ, મુખ્ય શિખ ધજા, શિખરના ચાર દિશાની ચાર ધજા તથા રંગમંડપની ચાર ધજાઓ ચડાવીને ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો શુભારંભ કરવામા આવ્યો હતો. સાત દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ મા કુળદેવી અખંડ સ્વરુપા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી ધન્યતા અનુભવશે. આ સાથે મંદિરની સ્થાપના વર્ષ 1868માં થઈ હોવાથી 1868 ધજા ઉપરાંત 11 હજાર 111 ધજા ચડાવવામાં આવશે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પ્રત્યેક શ્રદ્ધાળુઓને નાસ્તો, પાણી, ચા ઉપરાંત ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવશે. સંસ્થાના માનદ મંત્રી દિલિપ દાદા (નેતાજી), ટ્રસ્ટી મંડળ અને વિવિધ કમિટી દ્વારા ધજા મહોત્સવના આયોજનની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે.

કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ અને ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ સમારંભના પ્રમુખ પદે તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધજા મહોત્સવમાં દાનનો ધોધ વહાવનાર ઉછમણીના યજમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવના શુભારંભ સાથે મા કુળદેવી ઉમિયા માતાજીના દિવ્ય અલૌકિક મંદિર પર વિવિધ ધજાઓ બાબુભાઈ પટેલ (જય સોમનાથ ગ્રુપ)ની વિજય ધ્વજ ફરકાવવામાં આવશે. તે સાથે મંદિરના શિખરના ચાર દિશાની ધજાઓમાં પૂર્વ દિશામાં ઈન્દ્ર ધ્વજ, પશ્ચિમ દિશામાં વરુણ ધ્વજ, ઉત્તર દિશામાં કુબેર ધ્વજ અને દક્ષિણ દિશામાં ધર્મ ધજા ચડાવવામાં આવી હતી. તે સાથે રંગમંડપની પૂર્વ દિશામાં રુગ્વેદ ધજા, પશ્ચિમ દિશામાં સામવેદ ધજા, ઉત્તર દિશામાં અથર્વવેદ ધજા અને દક્ષિણ દિશામાં યજુર્વેદ ધજા ચડાવવામાં આવી હતી.

ઉંઝામાં આનંદ-મંગલ અને ઉત્સવ છવાયો
ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવ માટે શ્રદ્ધાળુઓનાં હ્રદયમાં અનેરો આનંદ છવાયો છે. 9મી સપ્ટેમ્બરે મંદિરના પ્રાંગણમાં બહેનો દ્વારા મહેંદી મૂકવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બહેનો દ્વારા 1868 ઝવેરા વાવવામાં આવ્યા છે. આજે બહેનોની ઝવેરા યાત્રા ઉમાબાગથી નીકળી મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિર પર પહોંચી હતી. શોભાયાત્રામાં કલાકારો દ્વારા ગવાયેલા વિવિધ ધજાના ગીતો અને ભક્તિગીતો ડીજે પર વગાડવામાં આવ્યા હતા.

ધજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે
ભાદરવી નોમના રોજ સવારે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે. સાત દિવસ સુધી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવની હર્ષોલ્લાસ અને આસ્થા-શ્રદ્ધા સાથે કરવામાં આવશે. સાત દિવસ વહેલી સવારે મંદિરમાં મંગળા આરતી બાદ ધજાઓ શિખર પર ક્રમબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે ચડાવવામાં આવશે. સાંજે મંદિરમાં આરતી બાદ ધજા ચડાવવાના કાર્યક્રમને વિરામ આપવાામાં આવશે. ધજા લઈને આવનારા શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં ઢોલ-નગારા અને ભૂંગળના કર્ણપ્રિય નાદ સાથે સ્વાગત કરવામાં આવશે. ધજા મહોત્સવમાં ભાગ લેવા માટે 250 કરતાં વધારે સંઘો અને મંડળો જોડાશે. અંદાજે 20 લાખ શ્રદ્ધાળુઓ મા ઉમિયા માતાજીના દર્શન કરવા પધારશે. પગપાળા પધારનારા ભક્તોની સેવા માટે ઉંઝાની ચારેબાજી સેવા કેમ્પ શરુ કરાશે. સંસ્થાની વિવિધ 40 કમિટી કાર્યક્રમનું સંચાલન કરશે.

1868 ધજાનું રહસ્ય
ધજા મહોત્સવમાં 1686 ધજાઓ ચડાવવામાં આવશે. વર્ષ 1868માં બિહારના રાજા વ્રજપાલસિંહ સિદ્ધપુર આવ્યા હતા. વ્રજપાલસિંહ શિવજીના પરમ ભક્ત હતા. જેમને શિવજીએ સ્વપ્નમાં ઉંઝામાં મંદિરની સ્થાપના કરવા આદેશ કર્યો હતો. જેના કારણે વ્રજપાલસિંહ ઉંઝા રોકાઈ ગયા હતા. જેમણે મા કુળદેની ઉમિયા માતાજીના મંદિરની સ્થાપના કરી હતી. જે અવિસ્મરણીય ઘટનાને જીવંત રાખવા 1868 ધજા ચડાવવામાં આવશે. જે શ્રદ્ધાળુ ધજા ચડાવવાની ઈચ્છા ધરાવતા હોય તેમની પાસેથી પ્રત્યેક ધજા દીઠ પાંચ હજાર એક રુપિયા નક્કી કર્યા હતા. ભારત દેશમાં વસતા પાટીદાર પરિવાર ઉપરાંત અમેરીકા, કેનેડા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વસતા પાટીદાર પરિવારો દ્વારા ઉત્સાહપૂર્વક ધજાઓ નોંધાવવામાં આવી હતી.