December 17, 2024

મહેસાણામાં એકના ડબલ કરવાના ચક્કરમાં કરોડો રૂપિયા ગુમાવ્યાં, 4 સામે ફરિયાદ

મહેસાણાઃ એકના ડબલ કરવાના ચક્કરમાં મહેસાણામાં વધુ એક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. સેફ ટ્રેડ વલ્ડ નામની રશિયા ખાતે નોંધાયેલી કંપનીમાં 40થી 100 દિવસમાં પૈસા ડબલ કરવાના ચક્કરમાં 300 કરતા વધુ લોકોએ 3 કરોડ કરતાં વધુની રકમ ગુમાવી હોવાનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ મામલે કડી તાલુકાના નગરાસણ ગામના પ્રાથમિક શિક્ષક સહિત 4 સામે ઠગાઈની ફરિયાદ દાખલ કરી મહેસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કહેવાય છે કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. મૂળ મહેસાણાના અને હાલ ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા ભાવેશ દવે સાથે આવી જ ઘટના બની છે. ભાવેશ દવેને પહેલેથી ટેકનોલોજીમાં રસ હોવાથી તેઓ ટેકનોલોજી સંબંધે કોઈ વ્યવસાય શોધી રહ્યા હતા. આ દરમિયાન બીટકોઈન અને અન્ય ડિજિટલ કોઈનના ટ્રેડ સાથે સંકળાયેલા કાંકરેજના અશોક સોલંકી નામના શખ્સ સાથે મુલાકાત થઈ અને અશોકે ત્યારબાદ ભાવેશ દવેની પાટણના સવાજી ઠાકોર, કડીના શિક્ષક યોગેશ પ્રજાપતિ સાથે મુલાકાત કરાવી હતી.

આ ત્રણેયે જયપુરના શરીફ સબા ઉર્ફે ડોકટર શાહબાજની સેફ વલ્ડ ટ્રેડ નામની કંપની વિશે જણાવ્યું. આ કંપનીમાં રોકાણ કરવાથી 40થી 100 દિવસમાં જ પૈસા ડબલ થઈ જતા હોવાની લાલચ આપી. એટલું જ નહીં, રોકાણ કર્યા બાદ જો અન્ય રોકાણકારોની ચેઇન બનાવો તો વધુ નફો મળે તેવો બિઝનેસ પ્લાન આપ્યો. આ ગાળામાં થાઈલેન્ડની ટૂર કરાવી ભાવેશ દવેને આંજી દીધા. આ ચક્કરમાં ભાવેશ દવેએ 15 લાખ રોક્યા અને મિત્રો-પરિવારજનોએ મળી કુલ 60 લોકો પાસે 1.5 કરોડ રૂપિયા રોકાવ્યા. આ દરમિયાન ગત સપ્ટેમ્બર 2023માં જ કંપનીએ આઈડી બંધ કરી દીધું હતું. તે દિવસથી સતત એક વર્ષની લડત બાદ પોલીસે ભાવેશ દવેની ફરિયાદ દાખલ કરી છે.

જયપુરમાં રહેતા શાહબાજે ડિજિટલ ટ્રેડ સાથે સંકળાયેલી કંપની સેફ ટ્રેડનું રશિયામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. લોકોને આંજી દેતો બિઝનેસ પ્લાન રજૂ કર્યો હતો. મહેસાણામાં વર્ષ 2022માં હોટલ જનપથમાં આ કંપનીએ સેમિનાર યોજી લોકોને બોલાવ્યા હતા. જેમાં મોટા મોટા પ્લાન બનાવી અને ડિજિટલ ટેક્નોલોજીનો યુગ હોવાની વાતો કરી લોકોને આકર્ષી રોકાણ કરાવ્યું હતું. આ કારણે જોતજોતામાં ઉત્તર ગુજરાતના 300 કરતાં વધુ લોકોએ આ કંપનીમાં 3.5 કરોડ રૂપિયા જેટલી રકમનું રોકાણ કરી દીધું હતું.

કંપની દ્વારા સૌથી પહેલા ગ્રાહકનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું અને ત્યારબાદ તેનું ડિજિટલ વોલેટ તૈયાર થતું. જેમાં રોકાણ કરેલી રકમ અને મળેલો નફો દર્શાવવામાં આવતો. શરૂઆતમાં આ કંપની સાથે લોકો જોડાય તે માટે એજન્ટને મોટી હોટલમાં રોકાણ અને મસમોટી રકમ આપવામાં આવતી. જો કે, માત્ર 6 જ મહિનામાં કંપનીએ રોકાણ કરાવી એપ્લિકેશન બંધ કરી દેતા લોકોના નાણાં સલવાયા હતા.

મહેસાણા જિલ્લામાં એક માસના અંતરાલમાં એકના ડબલ કરવાના ચક્કરમાં લાખો ગુમાવવાનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. આમ છતાં લોકો હજુ પણ આ પ્રકારની લેભાગુ કંપનીઓમાં રોકાણ કરતા અચકાતા નથી. છેલ્લે પછી જીવનભરની પૂંજી ગુમાવવાની નોબત આવે છે.