ભેખડ ધસતા બે સગા ભાઈ સહિત પતિ-પત્નીના મોત, પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માતમ છવાયો
મહેસાણાઃ કડીમાં માટીની ભેખડ ધસી પડતા કામ કરી રહેલા 10 જેટલા મજૂરો દબાઈ ગયા હતા. તેમાંથી 9 મજૂરોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક મજૂરને હેમખેમ બચાવી લેવામાં આવ્યો છે. મૃતકોમાં બે સગા ભાઈ અને પતિ-પત્ની સહિતનો સમાવેશ થાય છે. મૃતકના પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચી હૈયાફાટ આક્રંદ મચાવતા સમગ્ર માહોલમાં માતમ છવાઈ ગયો હતો.
મૃતકના પરિવારની એક મહિલા ધ્રુસકે-ધ્રુસકે રડતા જણાવે છે કે, ‘મારો ઘરવાળો, મારો દિયર અને મારી નણંદ દટાઈ ગયા છે. જલદી કાઢો મારું કોઈ જ નથી… અમારા ઘરમાં કોઈ કમાવનારું જ નથી.’ તો અન્ય એક મહિલા પણ આક્રંદ કરતા કરતા જણાવે છે કે, ‘ખાડામાં માટી ઉતરી અને બધા દબાઈ ગયા. મારો ઘરવાળો દબાઈ ગયો, મારો જેઠ, મારો નણંદ-નણંદોઈ દબાઈ ગયા. અંદર કામ કરતા હતા અને ત્યારે અચાનક તેમના પર માટી પડી અને તમામ દટાઈ ગયા.’
મૃતકનાં નામ
1. આશિષ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ)
2. આયુષીબેન આશિષભાઈ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ)
3. મુકેશ કમોળ (મૂળ રહે. ખરસાણા, તાલુકો-ઝાલોદ)
4. શૈલેષ બારીયા (મૂળ રહે. સાખલીયા, તાલુકો-ઝાલોદ)
5. રાજુ મેઢા (મૂળ રહે.રામપરા, તાલુકો-લીમખેડા)
6. અરવિંદ બારીયા (મૂળ રહે.ઝાલોદ)
7. ગંગાબેન કમલેશ કટારા (મૂળ રહે. તરકીયા, જિ-બાસવાડા, રાજસ્થાન)
8. જગન્નાથ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન)
9. મહેન્દ્રભાઈ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન)
શું હતી સમગ્ર ઘટના?
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રાઇવેટ લિમિટેડમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હોનારત બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાનગી કંપનીની અંદર ચણતરનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા 10 મજૂરો દટાયા હતા. જેમાંથી એક 18 વર્ષના યુવકનો બચાવ થયો હતો. જ્યારે નવ મજૂરો અંદર જ દટાઈ ગયા હતા. હાલ તમામના મૃતદેહને રેસ્ક્યૂ કરી બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં બે સગા ભાઈ અને બે વર્ષ પહેલા લગ્ન કરેલા પતિ-પત્ની બે મહિના પહેલા મજૂરીએ આવ્યા હતા તેમનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્ર-રાજ્ય સરકારની સહાયની જાહેરાત
આ ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.