December 23, 2024

મહેસાણમાં મેઘતાંડવ, બહુચરાજી મંદિરમાં પાણી ભરાયાં; 10 મકાનોને નુકસાન

મહેસાણાઃ જિલ્લામાં સતત વરસાદને કારણે બહુચરાજી મંદિર અને શંખલપુર જવાના માર્ગે પાણી ભરાયું છે. મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ભરાયા છે. શંખલપુર અને હારીજ તરફ જતા માર્ગે વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હારીજ તરફ જવાના માર્ગ અંડરપાસમાં પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયો છે.

મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. હિંગળાજપુરા ગામમાં ભારે પવન ફૂંકવાના કારણે મકાનોના પતરાં ઉડવાની ઘટના બની હતી. જીવંત વીજ વાયર નીચે પડી ગયો હતો. ભારે પવનથી ગામના 10 કરતાં વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. સીમ વિસ્તારમાં મોટી માત્રામાં વૃક્ષ પણ ધરાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસ થી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભારે પવન સાથે પડેલા વરસાદે સમગ્ર જિલ્લાને ધમરોળી નાંખ્યું છે.