January 22, 2025

મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કમાં કરોડોની છેતરપિંડી

PATAN - NEWSCAPITAL

મહેસાણાઃ સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે આવેલ ધી કાનોસણ સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ મંત્રી, કારોબારી અને 66 સભાસદો સહિત કુલ 74 લોકોએ પાટણ સ્થિત ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી રૂ. 2.47 કરોડની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. બેંકના વિભાગીય ઇન્સ્પેક્ટરે કાનોસણ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સહિત કુલ 74 લોકો સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મંડળીના પ્રમુખ સહિત 74 લોકોએ કરી છેતરપિંડી
સરસ્વતી તાલુકાના કાનોસણ ગામની ધી કાનોસણ સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ, સહિત કુલ 74 લોકો (તમામ રહે. કામોસણ, તા.સરસ્વતી) એ તારીખ 4/ 1/ 2018 થી તારીખ 17 /6 /2021 સુધીમાં, ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડની પાટણ શાખામાંથી અલગ અલગ સમયે વિવિધ પ્રકારની કે.સી.સી. તેમજ મધ્યમ દુધાળા ઢોર માટેની, મકાન બાંધકામ, ગોડાઉન બાંધકામ હેડના નામે લોન લીધી હતી. ત્યારબાદ વર્ષ 2022- 23 માં કાનોસણ સેવા સહકારી મંડળીએ વધુ એક KCC લોન મેળવવા બેંકમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા. જેમાં બેંકને શંકા જતા અગાઉના વર્ષોમાં આપેલ લોન અને તેના માટેના જમા કરાવેલ દસ્તાવેજોની ચકાસણી કરતાં મંડળીના હોદ્દેદારો અને સભાસદોના નામના જમીનના 7/12 8-અ ના ખોટા ખાતા નંબરો તેમજ સર્વે નંબરો વાળા દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો ઉપર હોદ્દેદારોએ બેંક પાસેથી રૂપિયા 2.47 કરોડની લોન લીધી હતી. નિયમોનુસાર તેનું વ્યાજ પણ બેંકમાં જમા નહીં કરાવી ઠગાઈ કર્યાનું જાણવા મળતા બેંકના અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીએ આપી પ્રતિક્રિયા, કહ્યું; ’25 જુલાઈ 1994માં…’

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બેંક સાથે વિશ્વાસઘાત થયાનું જાહેર થતાં ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્ક લિમિટેડના વિભાગીય ઇન્સ્પેક્ટર ગૌરવભાઈ જેસંગજી ઠાકોરે ધિ. કાનોસણ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો અને સભાસદો સહિત કુલ 74 સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી કલમ 406, 420, 465, 468, 471, 120બી અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.