December 23, 2024

મહેસાણામાં ફટાકડાં ફોડવાની બાબતે માથાકૂટ, પાંચ રાઉન્ડ ફાયરિંગ

મહેસાણાઃ જિલ્લામાં બેસતા વર્ષની રાતે ફટાકડાં ફોડવા જેવી નજીવી બાબતે સામસામે રહેતા પાડોશીઓ વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન ફાયરિંગ કરનારની પત્નીને માથામાં ગભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સામે રહેતા પરિવારના બે લોકોને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ મહેસાણા બી ડિવિઝન પોલીસને થતા ડીવાયએસપી સહિતની ટીમો રાત્રે ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી. આ સમગ્ર ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા શહેરમાં બેસતા વર્ષની ઉજવણી લોહીયાળ બની છે. વાઈડ એન્ગલ પાછળ આવેલા અભિનવ બંગ્લોઝમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવાની સામાન્ય માથાકૂટ ફાયરિંગ સુધી પહોંચી ગઈ અને ઝપાઝપીમાં નીચે પડી જતા ફાયરિંગ કરનારની પત્નીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ફટાકડો ઉડીને સામેના મકાનમાં પડતા મકાનમાલિકે ઠપકો આપ્યો છે અને આ ઠપકાના કારણે ઉશ્કેરાયેલા ફટાકડા ફોડનારા વ્યક્તિએ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સામે પક્ષે પણ લાકડી અને પાઇપ જેવા હથિયાર સાથે બીજા પરિવારના લોકો દોડી આવ્યા હતા. આ વખતે નીચે પડી જતા ફાયરિંગ કરનાર વૃદ્ધની પત્નીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. તો સામે પક્ષે પિતા પુત્રને ગોળીથી ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે. આ મામલે બંને પક્ષની ફરિયાદ લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અભિનવ બંગલોઝમાં મકાન નંબર 99માં રહેતા 79 વર્ષીય ભગીરથસિંહ ઉમેદસિંહ રાણા અને તેમના પત્ની સુધા રાણા ફટાકડા ફોડતા હતા, એ દરમિયાન એક ફટાકડો ઉડીને સામે આવેલા મકાન નંબર 102માં રહેતા બંકેશ નાયકના ઘરમાં ઉડીને પડતા બાળકો ડરી ગયા હતા. આ જોઈ બંકેશ નાયક અને તેના બે દીકરા ભગીરથસિંહને ઘર સામે ફટાકડા ન ફોડવા જાણ કરતા બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ભગીરથસિંહ રાણા ઉશ્કેરાઈ જઈ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર લઈને આડેધડ ફાયરિંગ કરવા લાગ્યા હતા. તો સામે રહેતા બંકેશ નાયક અને બે દીકરા લાકડી અને લોખડની પાઈપ લઈ આવી ભગીરથ સિંહને મારવા દોડ્યા હતા. ત્યારે ભગીરથ સિંહની પત્નીને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ભગીરથસિંહ રાણાએ રિવોલ્વર વડે પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં મકાન નંબર 102માં રહેતા નાયક પરિવારમાંથી આદિત્ય નાયકને સાથળ પર તો બંકેશ નાયકને કપાળે ગોળી વાગી હતી. જેથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને પગલે તેઓને ખાનગી વાહનમાં મહેસાણા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આ સમગ્ર ઘટનાની જાણ મહેસાણા બી ડિવિઝન પોલીસને થતા ડીવાયએસપી સહિતની ટીમો મોડી રાત સુધી ઘટના અંગે તપાસ કરી હતી. હાલમાં તો બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. નાયક પરિવાર દ્વારા ફાયરિંગ કરનારા ભગીરથસિંહ રાણા સામે ફરિયાદ નોંધાવી તો ભગીરથસિંહ રાણાએ પત્નીના મોત અંગે નાયક પરિવારના બંકેશ વસતલાલ નાયક, દેવલ નાયક, આદિત્ય નાયક, ગીતાબેન નાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.