મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કમિશન પ્રથાનું કૌભાંડ, ડોક્ટર ચોક્કસ કંપનીની દવા લખી આપતા
મહેસાણાઃ જિલ્લાના સરકારી વિભાગોમાં કમિશન પ્રથા એક સામાન્ય બાબત છે, પણ હવે ગરીબ દર્દીઓ માટે ચાલતી મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી કમિશન કૌભાંડ સામે આવ્યું છે.
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને સરકારી વિનામૂલ્યે મળતી દવાઓના બદલે સિવિલમાં ફરજ બજાવતા તબીબો ખાનગી કંપનીની મોંઘી દાટ દવાઓ લખી ગરીબ દર્દીઓ લૂંટાતા હોવાની વાત અનેકવાર સામે આવી છે. પરંતુ હાલમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દવાઓમાં કમિશન મેળવવા તબીબ દ્વારા ચોક્કસ કંપનીની જ દર્દીઓને દવા લેવા ચબરખીમાં ફક્ત કન્ટેન્ટના બદલે દવા કંપનીના નામ સાથે દવા લખવામાં આવતી હોવાનો ભાંડો ફૂટ્યો છે.
સ્કિન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર પૂજા દરજી સ્કિનના દર્દીઓને ચોક્કસ કંપનીના નામ સાથેની દવા લખી આપતા હોવાનો ભાંડો ખાનગી દવાવાળા દુકાનદારના ત્યાં ફૂટ્યો છે. આમ, મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો કમિશન માટે ચોક્કસ કંપનીની સિવિલ બહાર મળતી મોંઘી દવાઓ લખતા હોવાનું સામે આવતા સિવિલ વિભાગ હવે એક્શનમાં આવ્યો છે.
સિવિલના તબીબો કમિશન કૌભાંડમાં સસ્તી મળતી દવાઓ ગરીબ દર્દીઓને મોંઘા ભાવે ખરીદવી પડે છે. દર્દીઓ લૂંટાતા જાય છે અને સિવિલ તબીબોના ખિસ્સા કમિશનથી ભરાતા જાય છે. કમિશન આપતી અનેક ચબરખીઓ સામે આવી છે.