8 વર્ષ પહેલાં એસિડ એટેક, અત્યાર સુધીમાં 7 સર્જરી… જાણો મહેસાણાની દીકરીની કરૂણ કહાણી
મહેસાણાઃ ‘છપાક’ ફિલ્મ બાદ દેશભરમાં એસિડ એટેક સર્વાઇવરની ઘટનાઓ ચર્ચામાં આવી હતી. ત્યારે આ ફિલ્મ જેવી જ મહેસાણામાં આઠ વર્ષ પૂર્વે બનેલી એસિડ એટેકની ઘટનામાં ભોગ બનેલી હસતી ખેલતી કાજલ પર શું વીતતી હશે? કે તેના પરિવાર પર શું વીતી રહી છે? તે કોઈએ વિચાર્યુ છે. માત્ર યુવતીની મુલાકાત લઈને ડાહીડાહી વાતો કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓ હોય કે પછી
આંખોમાં પોલીસ અધિકારી બનવાના સપના લઈને શહેરની કોલેજમાં અભ્યાસ કરતી કાજલ પર ફેબ્રુઆરી 2016ના ગોઝારા દિવસે તેના સમાજના જ યુવાને એસિડ એટેક કરતા તે દિવસથી કાજલની જીંદગી દોઝખ બની ગઈ હતી અને આઠ વર્ષ પછી આંખોમાં એ જ સપનાઓ સાથે આજે પણ તે ચહેરાની સારવાર સાથે હિંમતપૂર્વક પોતાની જીંદગી જીવી રહી છે.
18 વર્ષ પૂર્ણ કરીને 19મા વર્ષના પ્રવેશમાં મહેસાણા નજીકના એક ગામડાંની કાજલ શહેરની નાગલપુર કોલેજમાં આંખોમાં ઉંચા સપના લઈને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે આવી અને ત્યારે 2016ના ફેબ્રુઆરી મહિનાના એ ગોઝારા દિવસે તેના સગા વેવાઈના દીકરાએ એકતરફી આકર્ષણમાં કોલેજની બહાર જ કાજલ પર એસિડ એટેક કર્યો હતો. તે વખતે શાંત માનવામાં આવતું મહેસાણા જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત પણ હચમચી ઉઠ્યું હતું. ત્યારે આવી જ ઘટનાને દર્શાવતી ફિલ્મ રૂપેરી પડદે દુનિયાભરના સિનેમાઘરોમાં આવી હતી અને ‘છપાક’ ફિલ્મને લઇને આજનો આપણો કહેવાતો સભ્યસમાજ સમસમી ઉઠ્યો હતો. જેની સાથે આવી ઘટના બની છે એવી મહેસાણાની કાજલની કે પછી તેના પરિવારની શું મનોદશા હશે? તેના પરિવાર ઉપર શું વીતતી હશે તે કોઈએ વિચાર્યુ છે ખરું. જો કે, આજે કાજલે પોતાની જાતને સંભાળી લીધી છે. આજે કાજલ જીપીએસસીની તૈયારી કરી રહી છે અને મહેસાણામાં હજારો યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
એસિડ એટેકના આઠ વર્ષ પછી સાત જેટલા ઓપરેશનો બાદ પણ કાજલને આજે આંખે જોવા સહિતની તકલીફો પડી રહી છે. અત્યારે હાલ પણ અમદાવાદમાં તેની સર્જરી ચાલી રહી છે અને આગામી સમયમાં પણ તેના ચહેરા પર ઘણા બધા ઓપરેશનો પણ કરવા પડશે. ત્યારે અત્યારસુધી રૂપિયા 8થી 10 લાખનો ખર્ચ કરી ચૂકેલો રીક્ષાચાલક પિતા સહિતનો પરિવાર પણ જાણે કે જરાય નિરાશ થયા વિના હિંમત હાર્યા વિના વ્હાલસોયી દીકરીની હિંમતપૂર્વક સારવાર કરીને સારસંભાળ લઈ રહ્યો છે. બીજી તરફ એસિડ એટેકના આઠ વર્ષ બાદ પણ કાજલ પણ જરાય નિરાશ થયા વિના નવા જીવનની આશાઓ અને ફરીથી આંખોમાં એજ સપનાઓ સાથે જીંદગીનો સામનો કરી રહી છે.
એસિડ એટેક થયા બાદ 23 વર્ષની કાજલ પર સાત સર્જરીઓ (ઓપરેશન) અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. હાલ એસિડ એટેકમાં તેની એક આંખ ફેઇલ થઈ જતા હાલ ચાલી રહેલી પ્લાસ્ટિક સર્જરી બાદ તેનું ઓપરેશન કરવું પડશે. હાલ ફેઇલ થઈ ગયેલી આંખના પોપચાની સર્જરીનું પણ કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે એસિડ એટેક બાદ તેનો એક સાઈડનો કાન ન હોવાથી અને માત્ર હોલ હોવાથી તે ચશ્મા પણ પહેરી શકતી નથી.આગળ હજુ પણ ઘણી બધી સર્જરીઓ (ઓપરેશન) કાજલના ચહેરા પર કરવાના બાકી છે. કાજલના પિતાના મોટાભાઈના વેવાઈનો દીકરો હાર્દિક એકતરફી પ્રેમમાં કાજલ સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ સામે પક્ષે કાજલ તૈયાર ન હોવાથી આવેશમાં અને ઉશ્કેરાટમાં આવી ગયેલા હાર્દિક 1 ફેબ્રુઆરી, 2016ના રોજ નાગલપુર કોલેજની બહાર કાજલ પર એસિડ એટેક કર્યો હતો.
પોતાની દીકરી સાથે બનેલી ઘટનાના આટલા વર્ષો બાદ પણ પિતા મહેન્દ્રભાઈ અડીખમ રહીને દીકરીની સારવાર કરી રહ્યા છે. ત્યારે માત્ર 3 લાખ જેટલી સહાય આપીને જવાબદારીમાંથી છુટી ગયેલી સરકાર અને ડાહીડાહી વાતો કરીને દીકરીની મુલાકાત લેતી સ્વૈચ્છિક સંસ્થાઓ હોય કે લોકો ઉપર પણ જાણે કે તેમનો ભરોસો ઉઠી ગયો હોય તેમ નિસાસાભર્યા અવાજે તેમણે જણાવ્યુ હતુ કે, સાહેબ લોકો માત્ર વાતો કરે છે. પણ કોઈ સહાય કે મદદ થકી કામકાજ કરવા આવતું નથી.
એસિડ એટેકમાં કાજલની એક આંખ સંપૂર્ણપણે ફેઇલ થઈ જતાં અને બીજી આંખે પણ સામાન્ય દેખાતું હોવાથી, તેમજ ચાલી રહેલી સારવારને પરિણામે અભ્યાસ છુટી જતાં કોલેજના પ્રથમ વર્ષમાં જ ઉચ્ચ પોલીસ અધિકારી બનવાના સપના સેવતી કાજલની કારકિર્દી પણ આ ઘટના બાદ રોળાઈ ગઈ છે. એકતરફી આકર્ષણને લઈ કાજલ પર એસિડ એટેક કરનારા આરોપી હાર્દિક પ્રજાપતિને 18 એપ્રિલ, 2018ના દિવસે મહેસાણાની કોર્ટે આજીવન કેદની સજા ફટકારતાં તે સજા કાપી રહ્યો છે.