December 25, 2024

મહેસાણામાં 27 વર્ષીય યુવતી પર લગ્નની લાલચે પરિણીત યુવકનું દુષ્કર્મ

મહેસાણાઃ શહેરમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં 27 વર્ષીય યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બહુચરાજીના સમલાયાપુર ગામમાં રહેતા શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે, બે સંતાનો સાથે પતિથી અલગ રહેતી 27 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. આ ઉપરાંત યુવક પરિણીત હોવા છતાં હકીકત છુપાવી હતી અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકે મહેસાણા અને સુરતના અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ ઘટના બાદ યુવતીને બે મહિનાનો ગર્ભ રહી જતા ગર્ભપાતની ગોળી ખવડાવીને ગર્ભ પાડી દીધો હતો. ત્યારબાદ યુવતીએ લિવ ઇનમાં રહેવાની વાત કરી હતી. ત્યારે યુવકે કરાર કર્યા હતા. પરંતુ ત્યારબાદ યુવક ભાગી જતા યુવતીએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બહુચરાજી તાલુકાના સમલાયાપુર ગામમાં રહેતા આરોપી નિલેશ પટેલ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.