કચ્છના ઘરાણા ગામે મહારૂદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન, પરિસરમાં ધર્મ ધજા લગાવાઈ

કચ્છ: ભચાઉ તાલુકાના ઘરાણા ગામે જયોતેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજ્ય મહંતશ્રી નરસિંહગીરી (કોટાવાળા બાપુ) અને સૌ સેવકગણ દ્વારા ચૈત્ર વદ-5, શુક્રવાર, તા. 18 એપ્રિલ-2025થી ચૈત્ર વદ -9, મંગળવાર, તા. 22 એપ્રિલ-2025 દરમિયાન 5 દિવસીય ભવ્યાતિભવ્ય શ્રી મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આયોજનની શરૂઆત 31 એપ્રિલના રોજ યજ્ઞ પરિસરમાં ધર્મ ધ્વજા લગાવીને શ્રી ગણેશ કરવામાં આવ્યું હતું.

તન-મન-ધનથી સેવકો આ કાર્યમાં જોડાયા
પાંચ દિવસીય મહારૂદ્ર યજ્ઞના સફળ આયોજન માટે સૌ સેવકો તન-મન-ધનથી મહેનત કરી રહ્યા છે. મહારૂદ્ર યજ્ઞનું આયોજન શાનદાર રીતે થાય તે માટે સૌ સેવકો અને આસપાસના વિસ્તારના લોકોએ દાનની શરવાણી વહાવી છે. તેમજ વિશાળ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમ માટે શ્રમદાન કરી સેવા આપી રહ્યા છે.

ગામેગામ જઈને બાપુએ આમંત્રણ પાઠવ્યું
આ પવિત્ર શ્રી મહારૂદ્ર યજ્ઞનો લાહવો લેવા માટે શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી નરસિંહગીરી (કોટાવાળા બાપુ) દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે મહંતશ્રી નરસિંહગીરી (કોટાવાળા બાપુ)એ આ વિસ્તારના તમામ ગામોમાં જાતે જ જઈને લોકોને આ પવિત્ર કાર્યમાં જોડાવવા મટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ભારતભરમાંથી સાધુ-સંતો પધારશે
ઘરાણા ગામે શ્રી મહારૂદ્ર યજ્ઞના આયોજનમાં મહંતશ્રી દેવેન્દ્રગીરી શિવ મંદિર (ગાંધીધામ) સહિત ભરતભરમાંથી સાધુ-સંતો આ મહારૂદ્ર યજ્ઞના આયોજનમાં ભાગ લેશે.

બ્રહ્મલીન મહંતશ્રી સેક્રેટરી બદ્રીગીરીજી મહારાજ, બ્રહાલીન મહંતશ્રી સભાપતિ ગીરજાદતગીરી મહારાજ, બ્રહ્મલીન મહંતશ્રી શંકરગીરી મહારાજ (ટુંડલા-આગ્રા), બ્રહ્મલીન મહંતશ્રી હીરાગીરી મહારાજ (ટુંડલા-આગ્રા)ના આર્શીવાદથી આ મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

18 એપ્રિલે શ્રી મહારૂદ્ર યજ્ઞની વિધિવત શરૂઆત
18 એપ્રિલ, 2025ના રોજ શ્રી મહારૂદ્ર યજ્ઞની વિધિવત શરૂઆત થશે. જેમાં દિપ પ્રાગટયમાં દેવેન્દ્રગીરી બાપુ (મહંતશ્રી શિવ મંદિર – ગાંધીધામ), મહંતશ્રી મુક્તાનંદ બાપુ (રાષ્ટ્રીય અધ્યક્ષ અગ્નિ અખાડા – ચાપરડા), મહંતશ્રી ભગવતગીરીબાપુ (સંધ્યાગીરીબાપુ આશ્રમ – સામખીયારી), મહંતશ્રી કનીરામ દાસજી મહારાજ (૫. પૂ. શ્રી નિર્મોહી પીઠાધીશ્વર – દુધરેજ), વેલજીરાજા ગુરૂશ્રી રણછોડદાસ (મહંતશ્રી જંગી અખાડા), મહંતશ્રી પ્રકાશાનંદ બાપુ (પંચમુખી હનુમાન – ગાંધીધામ) સહિત અનેક સંતો હાજર રહી ભક્તોને આર્શીવચન આપશે. આ સાથે ઢોલ-નગારા અને હાથી-ઘોડાઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ એકસાથે એક હજારથી સાધુ-સંતો પવિત્ર સ્નાન કરશે.

19 એપ્રિલે ભવ્ય સંતવાણીનું આયોજન
આ પાંચ દિવસીય મહારૂદ્ર યજ્ઞના બીજા દિવસે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર દલસુખ પ્રજાપતી, પ્રકાશ ગોહિલ અને લોક સાહિત્યકાર વાધજી રબારી સૂર રેલાવશે.

શ્રી મહારૂદ્ર યજ્ઞ મહોત્સવના પાવન પ્રસંગો:
પ્રથમ દિવસ
ગણપતિ પૂજન, પુણ્યાહવાચન, માતૃકા પૂજન, વસોર્ધારા પૂજન, વૈશ્વદેવ સંકલ્પ, નાંદીશ્રાદ્ધ, મંડપ પૂજન, મંડપ પ્રવેશ, પ્રધાન પૂજન અગ્નિ સ્થાપન, સ્થાપિત દેવતા પૂજન, ગ્રહહોમ, પ્રધાન હોમ, સાયં પૂજન, મહાઆરતી, વિશેષ :- સવા લાખ મૃત્યુંજય જાપ

દ્રિતિય દિવસ
ગણપતિ આદિ સ્થાપિત દેવતા પ્રાતઃપૂજન, અભિષેકાત્મક લઘુરુદ્ર, પ્રધાન હોમ, સાયં પૂજન, મહાઆરતી વિશેષ :- ગણેશ અવં દેવી મૂળમંત્ર સવા લાખ જાપ.

તૃતિય દિવસ
ગણપતિ આદિ સ્થાપિત દેવતા પ્રાતઃપૂજન, પ્રધાન દેવ સહસાર્ચન પ્રયોગ, પ્રધાન હોમ, સાયં પૂજન, મહાઆરતી, વિશેષ :- વિષ્ણુ એવં સૂર્ય દેવ મૂળમંત્ર સવા લાખ જાપ.

ચતુર્થ દિવસ
ગણપતિ આદિ સ્થાપિત દેવતા પ્રાતઃપૂજન, પ્રધાન હોમ, સાયં પૂજન, મહાઆરતી વિશેષ :- શિવ પંચાક્ષર મંત્ર પાંચ લાખ જાપ.

પંચમો દિવસ
ગણપતિ આદિ સ્થાપિત દેવતા પ્રાતઃપૂજન, પ્રધાન હોમ, સ્થાપિત દેવતા હોમ, ઉતર પૂજન, પૂર્ણાહુતી, મહાઆરતી, વિશેષ :- ગાયત્રી મંત્ર સવા લાખ જાપ.