December 23, 2024

બાંદ્રા રેલવે સ્ટેશન પર દોડધામ, અનેક લોકો ઘાયલ

મુંબઈઃ શહેરના બાંદ્રા રેલવે સ્ટેશન પર ટર્મિનસ 9ના પ્લેટફોર્મ નંબર એક પર નાસભાગના સમાચાર છે. સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે બની હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તહેવારોમાં ઘરે જવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભીડ હતી. રાત્રે લગભગ 2 વાગે બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન બાંદ્રા રેલ્વે સ્ટેશન પર આવી કે તરત જ તેમાં ચઢવા માટે ધમાલ શરૂ થઈ ગઈ. ત્યાં હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ એટલી મોટી હતી કે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ અને નાસભાગ મચી ગઈ.

આ નાસભાગમાં નવ લોકો કચડાઈને ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.