January 19, 2025

મહારાષ્ટ્રના પૂર્વ CM સુરતના મહેમાન, કહ્યુ – 10 વર્ષમાં કમરતોડ મોંઘવારી વધી

maharashtra ex cm Prithviraj Chavansurat visit said In 10 years inflation increased

અમિત રુપાપરા, સુરતઃ લોકસભાની ચૂંટણીને લઈને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણ સુરતના મહેમાન બન્યા હતા. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થયા બાદ તેઓ સુરતના મહેમાન બન્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. 2014માં તેમને ઘણા વાયદા કર્યા હતા. ‘અચ્છે દિન આયેંગે’ તેવું પણ તેમને કહ્યું હતું. આ ઉપરાંત દર વર્ષે બે કરોડ નોકરી, ખેડૂતોની આવક બમણી કરવાની વાત અને 100 દિવસમાં કાળું ધન લાવવાની વાત તેમને કરી હતી. આ વાતને લઈને 2014માં દેશની 31% જનતાએ તેમને મત આપ્યો હતો અને ભાજપની સરકાર બની હતી. ત્યારબાદ 2019માં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી અને હવે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની વાત થઈ રહી છે.

પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વાયદાઓ કર્યા છે તે હજુ સુધી પૂરા કર્યા નથી. લોકસભામાં 38 અલગ અલગ પાર્ટીના સાંસદ છે. જો મતોનું વિભાજન થાય તો ક્યારેય જીતી ન શકાય અને એટલા માટે મતોનું વિભાજન થતું અટકાવવા માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે. ભાજપને ચૂંટણી જીતવી છે તો મતનું વિભાજન ખૂબ જ જરૂરી છે. આ ચૂંટણી 5થી 6 મુદ્દાની લડાઈ છે. જેમાં છેલ્લા 10 વર્ષથી કમર તોડ મોંઘવારી વધી છે. ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે. તો સુરતના મુખ્ય ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોની હાલત ખૂબ જ ખરાબ છે. મોદી તેમાંથી રાહત લાવવા માટે તત્પર નથી. હાલ યુવાનોને નોકરી નથી મળતી અને ખેડૂતોની હાલત પણ ખૂબ જ ખરાબ છે. ખેડૂતો માટે ત્રણ કાયદા લાવવાની વાત મોદી સરકારે કરી અને તેનો વિરોધ ખેડૂતોએ કર્યો જેમાં કેટલાક ખેડૂતો મૃત્યુ પણ પામ્યા હતા. આજે મોદી સરકાર ખેડૂતો સાથે બદલો લઈ રહી છે.’

તો બીજી તરફ, પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘મોદી સરકાર પાસે આજે પગાર કે પેન્શન આપવા માટે પૈસા નથી. 2014માં દેશનું દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું આજે તે 200 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. મોદી સરકાર માત્ર ટેક્સ લગાડવાનું જાણે છે. 25 લાખ કરોડ રૂપિયાની આવક માત્ર પેટ્રોલના ટેક્સથી જ સરકારે કરી છે. મોદી અને શાહના મોડલમાં દેશમાં ચૂંટાયેલી સરકારને તોડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં બે-બે પાર્ટીને તોડવામાં આવી છે અને ધારાસભ્યોને તો આ સરકારમાં ખુલ્લું કહેવામાં આવે છે કે, તમે કોન્ટ્રાક્ટ લાવવો અને કમિશન મેળવો. આ ઉપરાંત સરકારી અધિકારીઓની બદલી તમે કરાવો અને તેના ઓર્ડર અમે પાસ કરીશું તો ભાજપમાં સરકારનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ઇલેક્શન બોન્ડ હોવાની વાત પણ પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. તેમને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આખો ખુલાસો માંગ્યો હતો અને ત્યારબાદ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી હતી. આના પરથી સાબિત થયું હતું કે ઈડી અને સીબીઆઇની રેડ થઈ ગયા પછી ઇલેક્શન બોન્ડના નામે સમાધાન થયું છે. જો દેશમાં ભાજપની જીત થશે અને મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો દેશમાં લોકશાહી નહીં બચી શકે.’

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની કામગીરી બાબતે કોંગ્રેસનેતા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘મારો આક્ષેપ છે કે અર્થવ્યવસ્થા મનમોહન સરકારની રીતે આગળ વધતી હોત તો આજે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી હોત. આજે ઘણા ઉદ્યોગો પડી ભાંગ્યા છે અને ખબર પડી ગઈ છે કે મોદી તાનાશાહી તરફ આગળ વધી રહ્યા છે અને સંવિધાન બચાવવા માટે લોકો સામે ચાલીને આગળ આવી રહ્યા છે.’

સુરત લોકસભા બિનહરીફ જાહેર થવા બાબતે તેમને જણાવ્યું હતું કે, ‘આ લોકશાહી માટે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર નેતાઓ અને સરકારોને તોડવામાં માની રહી છે. અગાઉ પણ મહારાષ્ટ્રમાં સરકારો તોડવામાં આવી હતી અને સમગ્ર દેશમાં આ જ માહોલ થઈ રહ્યો છે ઘટના બની છે તેની કોઈપણ અસર દેશમાં જોવા મળશે નહીં.’