January 22, 2025

BJP નેતાનો દાવો – મહારાષ્ટ્રના CM પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી

મુંબઈઃ ભાજપના એક વરિષ્ઠ નેતાએ રવિવારે દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે. નામ ન આપવાની શરતે તેમણે પીટીઆઈને જણાવ્યું કે, બીજેપી વિધાનસભ્ય દળની બેઠક 2 અથવા 3 ડિસેમ્બરે યોજાશે. નવી મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. ફડણવીસ બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જો કે, બીજી ટર્મ થોડા દિવસો માટે હતી. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા.

મહાગઠબંધનમાં કોઈ મતભેદ નથીઃ શિંદે
અગાઉ, મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યના નવા મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે અને તેઓ તેને સંપૂર્ણ સમર્થન આપશે. તેમણે એમ પણ કહ્યું કે, સરકારની રચનાને લઈને મહાયુતિના સાથી પક્ષોમાં કોઈ મતભેદ નથી.

શિંદે શુક્રવારે સતારા જિલ્લામાં તેમના વતન ગામ ગયા હતા. એવી અટકળો હતી કે શિંદે નવી સરકારની રચનાથી ખુશ નથી. મુંબઈ જતા પહેલા રવિવારે પોતાના ગામમાં પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે, મેં પહેલેથી જ કહ્યું છે કે મુખ્યમંત્રી પદ પર ભાજપ નેતૃત્વ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે મને અને શિવસેનાને સ્વીકાર્ય હશે અને તેને મારું સંપૂર્ણ સમર્થન હશે.

શ્રીકાંત શિંદે નવી સરકારમાં જોડાશે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના પુત્ર અને લોકસભાના સભ્ય શ્રીકાંત શિંદેને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને શું શિવસેનાએ ગૃહ વિભાગ માટે દાવો કર્યો છે. શિંદેએ કહ્યું, વાતચીત ચાલી રહી છે. ગયા અઠવાડિયે દિલ્હીમાં (કેન્દ્રીય મંત્રી) અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી. હવે અમે ત્રણેય ગઠબંધન સરકારની રચનાની ગૂંચવણો વિશે ચર્ચા કરીશું.

તેમણે કહ્યું કે અમે એવી સરકાર આપીશું જે લોકો ઈચ્છે છે. છેલ્લા અઢી વર્ષમાં અમારા કામના બદલામાં અમને મળેલા જંગી જનાદેશને કારણે હવે અમારી જવાબદારી વધી ગઈ છે. તેના ધારાસભ્ય પક્ષના નેતાએ કર્યું નથી. તેમણે કહ્યું કે, ભાજપે હજુ સુધી ધારાસભ્ય દળના નેતાની જાહેરાત કરી નથી. અમે લોકોની આકાંક્ષાઓ પૂરી કરીશું. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. અમે લોકોના હિતમાં નિર્ણય લઈશું. મારા સ્ટેન્ડનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી. મારી તબિયત હવે ઠીક છે. અમારી સરકારનું કામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.