July 1, 2024

‘મહારાજ’ને હાઈકોર્ટની લીલીઝંડી છતાં વિરોધ, વૈષ્ણવાચાર્ય નેટફ્લિક્સ હેડક્વોર્ટર પહોંચ્યા

અમદાવાદઃ ‘મહારાજ’ ફિલ્મને હાઈકોર્ટની લીલીઝંડી છતાં વિરોધ યથાવત્ છે. ત્યારે વિદેશના વૈષ્ણવ સમાજમાં પણ ‘મહારાજ’ ફિલ્મને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે. આ મામલે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી નેટફિક્સના હેડક્વાર્ટર પહોંચ્યા છે. અમેરિકાના સિલિકોન વેલી સ્થિત નેટફિક્સ ઓફિસમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેટફ્લિક્સ હેડક્વાર્ટરમાં ‘મહારાજ’ ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરવામાં આવી છે.

આ મામલે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીએ જણાવ્યુ હતુ કે, ‘આ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણની ગુરૂ પરંપરાનું અપમાન કરવામાં આવ્યું છે. ‘મહારાજ’ ફિલ્મ સનાતન ધર્મ પર વજ્રઘાત સમાન છે.’

આ પણ વાંચોઃ આણંદ કોલેરાગ્રસ્ત જાહેર, ઝાડા-ઉલટીનાં કેસ વધતા તંત્ર એક્શનમાં

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફિલ્મમાં જગત ગુરુ વલ્લભાચાર્ય ચરિત્રને ખોટું દર્શાવ્યું છે. ત્યારે વૈષ્ણવચાર્ય દ્વારકેશલાલજી મહારાજ નેટફ્લિક્ષની ઓફિસે પહોંચ્યા છે અને મહારાજ ફિલ્મનું પ્રસારણ અટકાવવા રજૂઆત કરી છે. હાલ વૈષ્ણવાચાર્ય પરિવાર સાથે અમેરિકાના પ્રવાસે છે.

ગઈકાલે હાઇકોર્ટે સ્ટે ઉઠાવ્યો હતો
કાલે ગુજરાત હાઈકોર્ટે ‘મહારાજ’ ફિલ્મ પરનો સ્ટે ઉઠાવ્યો હતો અને રિલીઝ માટે લીલી ઝંડી બતાવી હતી. ફિલ્મ જોયા બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે ‘ફિલ્મમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવું આપત્તિજનક કશું જ નથી.’ હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મહારાજ મૂવી રિલીઝ કરી શકશે.